ગૌરી લંકેશની હત્યા બાદ રહેમાને કહ્યું આ મારું ભારત નથી

એ. આર. રહેમાન
પ્રકાશિત

દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકેલા ભારતીય સંગીતકાર એ. આર. રહેમાને પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તેઓનું ભારત નથી.

મુંબઈમાં 'વન હાર્ટ'ના પ્રીમિયરના મોકા પર રહેમાનને ગૌરી લંકેશની હત્યા વિશે પૂછવામાં આવ્યું હતું.

તો તેના જવાબમાં રહેમાને જણાવ્યું, ''હું તેને લઈને ખૂબ જ દુ:ખી છું. આવી ઘટનાઓ ભારતમાં થવી ન જોઈએ. જો આવી ઘટના ભારતમાં થાય છે તો આ મારું ભારત નથી. હું ઈચ્છુ છું કે મારું ભારત પ્રગતિશીલ અને સંવેદનશીલ બને.''

'વન હાર્ટ: ધ એ. આર. રહેમાન કોન્સર્ટ' ફિલ્મ આ શુક્રવારે હિન્દી, અંગ્રેજી અને તામિલમાં રિલીઝ થઈ રહી છે.

ઑસ્કાર અને ગ્રેમી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત પ્રખ્યાત સંગીતકાર રહેમાને સંગીતની દુનિયામાં 25 વર્ષ પૂર્ણ કરી લીધા છે. ધાર્મિક આસ્થા અંગે જણાવ્યું હતું કે તેને કારકિર્દીને આકાર આપવા અને પરિભાષિત કરવામાં મદદ મળી છે.

એ. આર. રહેમાન

રહેમાને 23 વર્ષની ઉંમરે 1989માં ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો. રહેમાને કહ્યું હતું કે તેના માટે ઈસ્લામનો મતલબ સામાન્ય રીતે જીવન જીવવું અને માનવીયતાને સૌથી મહત્વનું સ્થાન આપવાનું છે.

સમાચાર એજન્સી રોયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, ''ઈસ્લામ એક મહાસાગર છે. તેમાં 70થી વધુ સંપ્રદાય છે. હું સૂફી દર્શનનું પાલન કરું છું, જે પ્રેમ વિશે છે. હું જે પણ છું તે તેના દર્શનના કારણે છું, જેનું પાલન હું અને મારો પરિવાર કરીએ છીએ. જાહેરમાં છે હાલ ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે. હું અનુભવ કરું છું કે વધારે પડતી રાજનીતિક છે.''

એ. આર. રહેમાન

ભારતમાં સૂફીનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. ભારતમાં સૂફી દર્શન ઈસ્લામનું એક અહિંસક સ્વરૂપ છે જે ઘર્મની આધ્યાત્મિક શક્તિઓનું રેખાંકન કરે છે. 50 વર્ષીય આ સંગીતકારને બે ઓસ્કાર, બે ગ્રેમી અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યાં છે.

રહેમાને અઢળક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમાં ઑસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયનર સાથે લગાન અને તાલ જેવી ફિલ્મો પણ સામેલ છે. રહેમાને દુનિયાભરના પ્રતિષ્ઠિત કલાકારો સાથે કામ કર્યું છે. સામાન્ય રીતે ઓછું બોલતા કલાકાર રહેમાને કહ્યું હતું કે તેમને આશા છે કે સંગીત લોકોને સાથે લાવવામાં મદદ કરશે.