અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે, તેની ગુજરાત પર અસર આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને બાકીના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ચોમાસું પૂર્ણ થઈ જશે.
ચોમાસું પૂરૂં થતાંની સાથે જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિઝન શરૂ થાય છે. સામાન્ય રીતે ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયાની આસપાસ વાવાઝોડાની નવી સિઝનની શરૂઆત થતી હોય છે.
હાલ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તે વધારે મજબૂત બને તેવી શક્યતા હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે.
હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લૉનિક સર્ક્યુલેશન મજબૂત બનીને લૉ-પ્રેશર બનશે અને ત્યારબાદ આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા છે.
ભારતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ વાવાઝોડાં આવતાં હોય છે અને અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં ગુજરાતને પણ અસર કરતાં હોય છે.
આ વર્ષે જ ચોમાસા પહેલાં અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય કચ્છ પરથી પસાર થયું હતું અને અનેક વિસ્તારોને તેની અસર થઈ હતી.
અરબી સમુદ્રની સિસ્ટમ વાવાઝોડું બનશે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ આવનારા દિવસોમાં વધારે મજબૂત બને તેવી શક્યતા છે.
આ ઉપરાંત હવામાનનાં બે મૉડલો ECMWF અને NCEP એવું દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડું બનશે અને અરબી સમુદ્રમાં આગળ વધશે. જ્યારે બીજાં કેટલાંક હવામાનનાં મૉડલો દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ લૉ-પ્રેશર એરિયા બનશે અને આગળ વધશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલની સિસ્ટમ 17 ઑક્ટોબરના રોજ લૉ-પ્રેશર એરિયામાં ફેરવાશે અને ત્યાર બાદ આગળ વધતાંની સાથે તે મજબૂત બને તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
વાવાઝોડું બનવા માટે દરિયાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોવું જરૂરી છે. હાલ અરબી સમુદ્રનું તાપમાન સરેરાશ 28થી 29 ડિગ્રી સેલ્સિયસ સુધી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે લૉ-પ્રેશર એરિયા આગળ વધ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તે બાદ તે વધારે મજબૂત બને તેવી ઓછી શક્યતા છે.
અરબી સમુદ્રની આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલ ચોમાસું પૂરું થઈ ગયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરીથી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડ્યો છે.
જોકે, હાલ અરબી સમુદ્રની અસરને કારણે વરસાદ પડી રહ્યો નથી પરંતુ તેના માટે એક બાદ એક આવી રહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત બનશે અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
વિવિધ મૉડલો આ સિસ્ટમ કઈ તરફ જશે એ મામલે એક મત નથી અને જુદો જુદો રસ્તો દર્શાવી રહ્યા છે. જોકે, મોટા ભાગનાં મૉડલો દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ ગુજરાત તરફ નહીં આવે પરંતુ ઓમાન તરફ જાય તેવી શક્યતા છે.
જોકે, હજી સિસ્ટમ મજબૂત બન્યા બાદ અને આગળ વધ્યા બાદ જ તેનો રસ્તો નક્કી થઈ શકશે કે સિસ્ટમ ખરેખર કઈ તરફ જાય છે.
ભારતમાં દર વર્ષે કેટલાં વાવાઝોડાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા પછી વાવાઝોડાં સર્જાય છે અને તેના કારણે લાખો લોકોને તેની સીધી અસર થાય છે.
ભારતના દરિયામાં સામાન્ય રીતે દર વર્ષે ચારથી પાંચ વાવાઝોડાં સર્જાય છે તેમાં બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડાં સર્જાય છે અને અરબી સમુદ્રમાં તેના પ્રમાણમાં ઓછા વાવાઝોડાં સર્જાય છે.
આ વર્ષે ચોમાસા પહેલાં બે વાવાઝોડાં સર્જાયાં હતાં, મોખા નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં અને બિપરજોય નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં. મોખા મ્યાનમાર પર ત્રાટક્યું હતું અને બિપરજોય ગુજરાત પર ત્રાટક્યું હતું.
ગયા વર્ષે ચોમાસા બાદ બે વાવાઝોડાં સર્જાયાં હતાં અને બંને વાવાઝોડાં બંગાળની ખાડીમાં સર્જાયાં હતાં. ચોમાસા બાદ બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુને અસર કરતાં હોય છે.
હાલ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ જો વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ચોમાસા બાદ ભારતના દરિયામાં સર્જાનારું તે પ્રથમ વાવાઝોડું હશે.


























