અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી- ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી અલ્લુ અર્જુન
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

આજે તેલુગુ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. સંધ્યા થિયેટરમાં નાસભાગની ઘટનામાં એક મહિલાનાં મોત બાદ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થવાના એક દિવસ પહેલાં હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.

લોકો અગાઉથી ટિકિટ ખરીદીને ફિલ્મ જોવા અહીં આવ્યા હતા. અલ્લુ અર્જુનની ટીમે અચાનક જ અલ્લુ અર્જુનની ત્યાં મુલાકાતનું આયોજન કર્યું અને તેઓ થિયેટરમાં પહોંચતા જ તેમને જોવા માટે ચાહકોમાં નાસભાગ મચી ગઈ.

આ નાસભાગ દરમિયાન ત્યાં એક મહિલાનું મોત થયું હતું. તેના કારણે અલ્લુ અર્જુન સહિત અનેક લોકોના નામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી

બીબીસી તેલુગુ સેવા અનુસાર, અલ્લુ અર્જુને તાજેતરમાં સંધ્યા થિયેટરમાં નાસભાગની ઘટના અંગે તેમની સામેના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અલ્લુ અર્જુને હાઈકોર્ટમાં અરજી કરીને તેમની સામે નોંધાયેલ કેસને રદ કરવાની માંગ કરી હતી.

પોતાની અરજીમાં અભિનેતાએ કહ્યું હતું કે, તેમણે થિયેટરમાં આવવાની જાણ પહેલાં જ કરી દીધી હતી અને મહિલાના મૃત્યુ સાથે તેને કોઈ લેવાદેવા નથી.

અલ્લુ અર્જુને મહિલાના મૃત્યુની ઘટના પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છે.

અલ્લુ અર્જુને મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. આ પહેલાં આજેે સવારે તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ સમયે પથ્થરમારો

સાબરમતી રિપોર્ટ, ગોધરાકાંડ ગુજરાત, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જેએનયુ
ઇમેજ કૅપ્શન, પથ્થરબાજી માટે ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને એબીવીપીએ એકબીજા સામે આક્ષેપબાજી કરી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં (જેએનયુ) ગુરુવારે ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ના સ્ક્રિનિંગ દરમિયાન પથ્થરબાજીની ઘટના બહાર આવી છે.

આ અંગે જેએનયુ વિદ્યાર્થી સંઘના વડા ધનંજયે બીબીસી સાથે વાત કરી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ એબીવીપીને (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) સમગ્ર ઘટનાક્રમ માટે જવાબદાર ઠેરવી હતી.

ધનંજયે કહ્યું, "એક ફ્લૉપ ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન ખુદ એબીવીપીએ જ પથ્થરમારો કર્યો હતો. આ પ્રોપગૅન્ડા ફિલ્મ છે અને તે સિનેગૃહોમાં નિષ્ફળ રહી છે. હાલના સમયમાં જેએનયુમાં એવું સ્થાન ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જ્યાંથી આવા પ્રકારની ફિલ્મોનું સ્ક્રિનિંગ કરાવવામાં આવે છે, જેથી કરીને મીડિયામાં તેના વિશે ચર્ચા થાય."

ધનંજયના કહેવા પ્રમાણે લેફ્ટે આ ફિલ્મની સ્ક્રિનિંગની સામે પૅમ્ફલેટ ચોક્કસથી બહાર પાડ્યાં હતાં.

વર્ષ 2024માં ધનંજયે યુનાઇટેડ લેફ્ટ તરફથી જેએનયુ વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતી હતી અને અધ્યક્ષ બન્યા હતા. યુનાઇટેડ લેફ્ટમાં ડાબેરીઓની વિદ્યાર્થી પાંખ એસએફઆઈ (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા) અને કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ (નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા) જેવા વિદ્યાર્થી સંગઠન સામેલ છે.

બીજી બાજુ એબીવીપીના રાષ્ટ્રીય મીડિયા સહ-સંયોજક અંબુજ મિશ્રના કહેવા પ્રમાણે, "આમાં (પથ્થરબાજી) કેટલાક લોકો ઘાયલ થયા છે. સાબરમતી હૉસ્ટલ તરફથી પથ્થરમારો થયો હતો. કોઈને ગંભીર ઈજા નથી થઈ. યુનાઇટેડ લેફ્ટે ફિલ્મની સ્ક્રિનિંગ સામે સવારે પૅમ્ફલેટ બહાર પાડ્યાં હતાં."

જેએનયુ એબીવીપીએ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ ઘટના વિશેની પોસ્ટમાં લખ્યું, "એબીવીપીએ જેએનયુમાં સાબરમતી ઢાબા પર 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મની સ્ક્રિનિંગ કરાવી હતી. ડાબેરીઓએ આ ફિલ્મ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થર ફેંક્યા, પથ્થરબાજી કરી અને પોસ્ટર ફાડી નાખ્યા."

"સવારે એસએફઆઈએ પ્રેસ રિલીઝ બહાર પાડીને ફિલ્મની સ્ક્રિનિંગનો વિરોધ કર્યો હતો. આમને ગોધરાનું સત્ય 20 વર્ષ પહેલાં પણ નહોતું પચ્યું અને આજે પણ નથી પચી રહ્યું."

ઉલ્લેખનીય છે કે 'ધ સાબરમતી રિપોર્ટ'માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ વર્ષ ગુજરાતના 2002 ગોધરાકાંડ પર આધારિત છે.

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના નેતાઓએ આ ફિલ્મ જોઈ હતી.

કેજરીવાલ સામે કૉંગ્રેસ પૂર્વ CMના પુત્રને ઉતાર્યા

સંદીપ દીક્ષિત, નવી દિલ્હી વિધાનસભા ચૂંટણી, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ
ઇમેજ કૅપ્શન, સંદીપ દીક્ષિત

કૉંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી છે. પાર્ટીએ નવી દિલ્હીની બેઠક પરથી પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે.

પરંપરાગત રીતે આ બેઠક પરથી દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી તથા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડતા રહ્યા છે.

અગાઉ તે શીલા દીક્ષિતની પરંપરાગત બેઠક હતી, જેને કેજરીવાલે જીતી હતી.

સંદીપ દીક્ષિતે પોતાના નામની જાહેરાત બાદ કહ્યું હતું, "હું અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડી રહ્યો છું એટલે તેમની જવાબદારી નક્કી થાય તેવા સવાલ પૂછું તે સ્વાભાવિક છે. તેમનામાં મારા સવાલોનો સામનો કરવાનું સાહસ નથી."

સંદીપ દીક્ષિતે દાવો કર્યો હતો કે દિલ્હીમાં કૉંગ્રેસના ટેકા વગર આગામી સરકાર નહીં બને.

સંદીપ દીક્ષિત લોકસભાના સંસદસભ્ય રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંનની વિરુદ્ધ પણ અવાજ ઉઠાવતા રહ્યા છે.

ટ્રમ્પ ટાઇમ પર્સન ઑફ ધ યર

ટાઇમ પર્સન ઑફ ધ ઇયર અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ વર્ષ 2016માં પર્સન ઑફ ધ યર બન્યા હતા

ટ્રમ્પ આ પહેલાં વર્ષ 2016ની ચૂંટણી દરમિયાન અનપેક્ષિત રીતે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે પણ તેમને પર્સન ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ટાઇમ મૅગેઝિનના ઍડિટર-ઇન-ચીફ સૅમ જૅક્બસે પત્રિકાના પાઠકોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું, "ઐતિહાસિક રીતે પુનરાગમન કરવા બદલ, અમેરિકાના રાષ્ટ્રપતિપદને નવું સ્વરૂપ આપવા બદલ, દુનિયામાં અમેરિકાની ભૂમિકાને બદલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને ટાઇમના વર્ષ 2024ના પર્સન ઑફ ધ યર પસંદ કરવામાં આવ્યા છે."

ઉલ્લેખનીય છે કે ટાઇમ મૅગેઝિન દ્વારા વર્ષ 1927થી પર્સન ઑફ યરની પસંદગી કરવામાં આવે છે. જેમાં પોતાનાં સારાં કે ખરાબ કૃત્યો દ્વારા વિશ્વને સૌથી વધુ પ્રભાવિત કરનાર કે વૈશ્વિક ઘટનાઓ પર સૌથી વધુ અસર કરનારાઓને પસંદ કરવામાં આવે છે.

જો બાઇડને ગુનાના દોષિત 39 શખ્સોની સજા માફ કરી

જો બાઇડન ક્ષમાદાન, માફી, અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તેમના કાર્યકાળના અંતિમ દિવસોમાં અહિંસક ગુનાના દોષિત 39 શખ્સોની સજા માફ કરી દીધી છે. આ સિવાય એક હજાર 500 જેટલા દોષિતોની સજા પણ ઘટાડી દીધી છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, સંખ્યાની દૃષ્ટિએ કોઈ પણ રાષ્ટ્રપતિ દ્વારા એક જ દિવસમાં આપવામાં આવેલું આ સૌથી મોટું ક્ષમાદાન છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિને સજામાફીના વિશેષ અધિકાર મળેલા છે. તેઓ મહાભિયોગ સિવાયના ગુનામાં રાહત કે માફી આપી શકે છે.

જો બાઇડને થોડા દિવસો પહેલાં પોતાના દીકરા હંટરની સજા પણ માફ કરી દીધી. બાઇડનના આ નિર્ણયની ભારે ટીકા થઈ હતી, કારણ કે શરૂઆતના સમયમાં જો બાઇડને સજામાફીનો ઇન્કાર કરી દીધો હતો.

બાઇડને પોતાના બચાવમાં કહ્યું હતું કે તેમના દીકરાની સામે રાજકારણથી પ્રેરાઈને કેસ કરવામાં આવ્યા હતા.

હંટર બાઇડન સામે બે સંઘીય કેસ ચાલી રહ્યા હતા. જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ડિસેમ્બર મહિનાના અંતભાગમાં તેમને સજા પણ થવાની હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.