બાંગ્લાદેશ: ઇસ્કૉન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ મામલે મમતા બેનરજીએ આ પ્રતિક્રિયા આપી – ન્યૂઝ અપડેટ

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી
ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી
પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ બાંગ્લાદેશના ઇસ્કૉન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને તે મામલે પેદા થયેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

મમતા બેનરજીએ કહ્યું, “બાંગ્લાદેશમાં આ પહેલાં પણ લોકો માર્યા ગયા છે. પરંતુ અત્યાચાર ઓછો નથી થયો. અમારા પૈકી કોઈએ તેનું સમર્થન નથી કર્યું. અમે કોઈ પણ અત્યાચારની વિરુદ્ધમાં છીએ. અમારી ભૂમિકા મર્યાદિત છે પરંતુ અમે એક અલગ રાષ્ટ્ર છે અને બાંગ્લાદેશ એક અલગ રાષ્ટ્ર.”

તેમણે કહ્યું, “ભારત સરકાર આ મામલે બાંગ્લાદેશની સરકાર સાથે વાતચીત કરીને કાર્યવાહી કરી શકે છે. વિદેશનીતિ મામલે ટીએમસીના વલણ અનુસાર અમે કેન્દ્ર સરકારને સમર્થન કરીશું. સત્તામાં પછી કોઈ પણ હોય. અમારું વલણ સ્પષ્ટ છે, અમે કોઈ ધર્મની સામે અત્યાચારને સહન નહીં કરીએ.”

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના ઇસ્કૉન મંદિર સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી ફગાવાયા બાદ કોર્ટે તેમને જેલ મોકલવાનો આદેશ આપ્યો હતો.

મંગળવાર, 16 નવેમ્બરના રોજ તેમને ચટગાંવના કોટવાલી પોલિસસ્ટેશનમાં દાખલ દેશદ્રોહના મામલામાં કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા.

શેખ હસીનાએ ઇસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસને છોડવાની કરી માગ

 શેખ હસીનાએ ઇસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસને છોડવાની કરી માગ- ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાની ફાઇલ તસવીર

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ચિન્મય કૃષ્ણ દાસને તરત છોડી મુકવાની માગ કરી છે.

શેખ હસીનાના નિવેદનને તેમની પાર્ટી આવામી લીગે પોતાના સત્તાવાર ઍક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યું છે.

નિવેદનમાં ચિન્મય કૃષ્ણ દાસને છોડવાની માગ પર તેમણે લખ્યું, “સનાતન ધાર્મિક સમુદાયના એક વરિષ્ઠ નેતાની અન્યાયપૂર્વક ધરપકડ કરવામાં આવી છે. તેમને તરત છોડી મુકવા જોઈએ. ચટગાવમાં એક મંદિર સળગાવી દેવામાં આવ્યું છે. તમામ સમુદાયના લોકોની ધાર્મિક સ્વતંત્રતા અને જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.”

“ચટગાંવમાં એક વકીલની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાનો વિરોધ થઈ રહ્યો છે. આ હત્યામાં સામેલ લોકોને પકડીને તેમને સજા કરવી જોઈએ. આ ઘટના માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન છે.”

પૂર્વ વડાં પ્રધાનના નિવેદનમાં લખવામાં આવ્યું છે, “જો અસંવૈધાનિક રીતે સત્તા પર કબજો કરનારી યુનૂસ સરકાર આ આતંકવાદીઓને દંડ આપવામાં નાકામ રહેશે તો તેને માનવાધિકારના ઉલ્લંઘન માટે સજાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હું દેશના લોકોને અપીલ કરું છું કે આ પ્રકારના આતંકવાદ અને ઉગ્રવાદ સામે એક થાઓ. સામાન્ય લોકોની સુરક્ષા કરવી જરૂરી છે.”

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના ઇસ્કૉન મંદિર સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી ફગાવાયા બાદ કોર્ટે તેમને જેલ મોકલવાનો આદેશ આપ્યો હતો.

મંગળવાર, 16 નવેમ્બરના રોજ તેમને ચટગાંવના કોટવાલી પોલિસસ્ટેશનમાં દાખલ દેશદ્રોહના મામલામાં કોર્ટમાં પેશ કરવામાં આવ્યા હતા.

ઇસ્કૉને બાંગ્લાદેશની સ્થિતિને દર્દનાક ગણાવી

ઇસ્કૉને બાંગ્લાદેશની સ્થિતિને દર્દનાક ગણાવી – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ઇસ્કૉનના વિજેન્દ્રનંદન દાસે કહ્યું કે ભારત સરકાર આ મામલે પગલાં ભરે

દિલ્હીમાં ઇસ્કૉનના પ્રચાર વિભાગના નિદેશક વિજેન્દ્રનંદન દાસે બાંગ્લાદેશ મામલે નિવેદન આપ્યું છે.

તેમણે મીડિયામાં એક નિવેદન આપતા કહ્યું, “જો સંસ્થા(ઇસ્કૉન)ને બાંગ્લાદેશમાં કહેવામાં આવે છે કે તે આતંકવાદી સંગઠન છે અને કટ્ટરપંથી છે તો એ તદ્દન બેબુનિયાદ અને અસત્ય છે. ભારત અને દુનિયાની કોઈ વ્યક્તિ તેને સ્વીકાર નહીં કરી શકે.”

તેમણે કહ્યું, “ફૂડ ફૉર લાઇફ અંતર્ગત ઇસ્કૉને લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવાનું કામ કર્યું છે. દિલ્હીમાં કોવિડ સમયે અમે સરકાર સાથે મળીને પાંચ લાખ લોકોને ભોજન આપતા હતા. બાંગ્લાદેશમાં પણ અમે આવું જ કરતા હતા. પરંતુ જે લોકોએ ભંડારો કરાવ્યો તેમને જ મારી નાખ્યા.”

તેમણે એમ પણ કહ્યું કે આ દર્દનાક સ્થિતિ છે. વધુમાં તેમણે જણાવ્યું, “ભારત સરકારને અમારો આગ્રહ છે કે તેઓ સંજ્ઞાન લે. બાંગ્લાદેશની વચગાળાની સરકારથી અમે આશા રાખીએ કે તેઓ આ પ્રકારનાં કામો કરનારાને પકડે અને સજા અપાવે. બાંગ્લાદેશના હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.”

હેમંત સોરેને ઝારખંડના મુખ્ય મંત્રીપદના લીધા શપથ

હેમંત સોરેને ઝારખંડના મુખ્ય મંત્રીપદના લીધા શપથ – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજીત સમારોહમાં મુખ્ય મંત્રીપદની શપથ લઈ રહેલા હેમંત સોરેન

ઝારખંડની રાજધાની રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજીત એક સમારોહમાં હેમંત સોરેને રાજ્યના મુખ્ય મંત્રીપદના શપથ લીધા.

તેમના શપથગ્રહણ સમારોહમાં જેએમએમ ચીફ શિબૂ સોરેન, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ ઉપસ્થિત રહ્યાં.

સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન, તામિલનાડુના ઉપમુખ્ય મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને કર્ણાટકના ઉપમુખ્ય મંત્રી ડીકે શિવકુમાર પણ ઉપસ્થિત હતા.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં 23 નવેમ્બરે પરિણામો જાહેર થયાં હતાં. રાજ્યમાં જેએમએમએ સૌથી વધારે બેઠકો જીતી હતી. જેએમએમએ 81 બેઠકો પૈકી 34 જીતી હતી અને ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ કૉંગ્રેસે 16 બેઠકો જીતી હતી.

યુક્રેને કહ્યું- રશિયાએ રાત્રે હુમલો કરીને વીજમથકોને બનાવ્યાં નિશાન

યુક્રેનની રાજધાની કિએવમાં નાગરિકો અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં શરણ લઈ રહેલા નજરે પડે છે
ઇમેજ કૅપ્શન, યુક્રેનની રાજધાની કિએવમાં નાગરિકો અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં શરણ લઈ રહેલા નજરે પડે છે

યુક્રેનનું કહેવું છે કે રશિયાએ બુધવારે રાત્રે કરેલા હુમલામાં તેમના વીજમથકોને નિશાન બનાવવામાં આવ્યાં છે.

યુક્રેનું કહેવું છે કે રશિયાએ દેશભરમાં રાત્રે હુમલાઓ કર્યા. યુક્રેનના ઊર્જામંત્રી હરમન હાલુશચેંકોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, “યુક્રેનનું ઊર્જા ક્ષેત્ર ફરી દુશ્મનની ચપેટમાં છે.”

યુક્રેનની રાજધાની કિએવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ કહ્યું છે કે રશિયાના હુમલામાં રાજધાનીમાં ઍર ડિફેન્સ સિસ્ટમ કામ કરી રહી છે.

ગુરુવારની સવારે યુક્રેનની વાયુસેનાએ ચેતવણી આપી હતી કે રશિયા દેશમાં અલગ-અલગ જગ્યાએ હુમલો કરી શકે છે.

રશિયાએ પણ દાવો કર્યો છે કે તેમની ઍર ડિફેન્સ સિસ્ટમે રાત્રે ચાર વિસ્તારમાં 25 યુક્રેની ડ્રૉન તોડી પાડ્યાં છે.

અજમેર શરીફ દરગાહ શિવ મંદિર હોવાના દાવા મામલે મોઇનુદ્દીન ચિશ્તીના વંશજે શું કહ્યું

ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદના અધ્યક્ષ સૈયદ નસરુદ્દીન ચિશ્તી જેમણે પોતે મોઇનુદ્દીન ચિશ્તીના વંશજ હોવાનો દાવો કરતા દરગાહના શિવ મંદિર હોવાના દાવા મામલે પ્રતિક્રિયા આપી
ઇમેજ કૅપ્શન, ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદના અધ્યક્ષ સૈયદ નસરુદ્દીન ચિશ્તી જેમણે પોતે મોઇનુદ્દીન ચિશ્તીના વંશજ હોવાનો દાવો કરતા દરગાહના શિવ મંદિર હોવાના દાવા મામલે પ્રતિક્રિયા આપી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અજમેર દરગાહમાં શિવ મંદિરના દાવાના કેસની સુનાવણી માટે સ્વીકાર્ય કરવા પર ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદના અધ્યક્ષ સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, “સંબંધિત પક્ષોને નોટિસ બજાવવામાં આવી છે, એક છે દરગાહ સમિતિ, એએસઆઈ અને ત્રીજા લઘુમતિ બાબતોના મંત્રાલયને.”

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા તેમણે દાવો કર્યો કે તેઓ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વંશજ છે.

તેમણે કહ્યું, “હું ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ છું, પરંતુ મને આ મામલે પક્ષકાર નથી બનાવવામાં આવ્યો.”

“દેશમાં એવી ઘટના બની રહી છે જે આપણા સમાજ અને દેશના હિતમાં નથી. અજમેરનો 850 વર્ષનો ઇતિહાસ છે. હું ભારત સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કરું છું. એક નવો કાયદો બનાવવામાં આવે અને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવે જેથી ધાર્મિક જગ્યાઓ પર કોઈ દાવા ન કરી શકે.”

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે કોર્ટના આદેશ પર સવાલ કર્યો.

તેમણે કહ્યું, “તેનો કોઈ અર્થ નથી. જ્યાં વડા પ્રધાન ચાદર ચઢાવે છે, દેશ-દુનિયામાંથી લોકો આવે છે. તેને વિવાદમાં નાખવું ધૃણિત અને નબળી માનસિકતાનું પ્રતિક છે. સત્તામાં બની રહેવા ભાજપના લોકો કંઈ પણ કરી શકે છે. દેશમાં આગ લાગે તો પણ તેમને કોઈ મતલબ હોતો નથી.”

લાઇવ લૉ વેબસાઇટ અનુસાર, “હિંદુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની એક અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ શિવ મંદિરની જગ્યા પર બનાવવામાં આવી હતી.”

આ અરજીની સુનાવણી કરતા રાજસ્થાનની અજમેર જિલ્લા અદાલતે એએસઆઈ, કેન્દ્રિય લઘુમતિ મંત્રાલય અને અજમેર દરગાહ સમિતિને નોટિસ જાહેર કરી છે. સિવિલ જજ મનમોહન ચંદેશ આ મામલાની સુનાવણી 20 ડિસેમ્બરના રોજ કરશે.

પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણનું પુસ્તક લઈને લોકસભાનાં સાંસદ તરીકે શપથ લીધા

પ્રિયંકા ગાંધીએ લોસભા સાંસદ તરીકે શપથ લીધા હતા.
ઇમેજ કૅપ્શન, પ્રિયંકા ગાંધી લોકસભા પેટાચૂંટણીમાં તેઓ કેરળની વાયનાડ બેઠક પરથી જીત્યાં હતાં.

પ્રિયંકા ગાંધીએ આજે લોકસભાનાં સભ્ય તરીકે શપથ લીધાં.

લગભગ 11 વાગ્યે ગૃહમાં પહોંચેલાં પ્રિયંકા ગાંધીએ લાલ રંગનું બંધારણનું પુસ્તક હાથમાં રાખીને શપથ લીધા હતા.

તાજેતરમાં યોજાયેલી લોકસભા પેટાચૂંટણીમાં તેઓ કેરળની વાયનાડ બેઠક પરથી જીત્યાં હતાં.

પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડ્યાં હતાં.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ બેઠક ખાલી પડી હતી. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડથી ચૂંટણી લડી હતી અને બંને જગ્યાએથી જીત મેળવી હતી.

આ પછી રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી.

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

બાંગ્લાદેશમાં ઇસ્કૉન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસ
ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં ઇસ્કૉન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસ, તેઓ ઇસ્કૉન ચટગાંવના પુંડરિક ધામના અધ્યક્ષ છે.

બાંગ્લાદેશના ભેદભાવ વિરોધી વિદ્યાર્થી આંદોલને દેશમાં ઇસ્કૉન (ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર કૃષ્ણા કૉન્સિયસનેસ) પર પ્રતિબંધ લાદવાની માગ કરે છે.

ઢાકા ટ્રિબ્યુન અનુસર બુધવારના ઇસ્કૉન પર પ્રતિબંધ લગાવવા અને વકીલની હત્યાના મામલે જવાબદાર લોકો પર કેસ ચલાવવાની માગને લઈને એક કાનૂની નોટિસ જાહેર કરવામાં આવી છે.

સમાચાર અનુસાર 10 વકીલો તરફથી આ નોટિસ ગૃહ મંત્રાલય, કાનૂન અને ન્યાય મંત્રાલય અને ઇન્સપેક્ટર જનરલ ઑફ પોલીસને મોકલવામાં આવી છે.

તેમાં ઇસ્કૉન પર રેડિકલ ગ્રૂપ હોવાનો આરોપ લગાવતા તેમના પર સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યા છે.

બીબીસી બાંગ્લા અનુસાર, વિદ્યાર્થી આંદોલનના સંયોજક હસનત અબ્દુલ્લાહએ ઇસ્કૉનને 'ટેરરિસ્ટ ગ્રૂપ' ગણાવ્યું અને તેમની પર પ્રતિબંધની માગ કરી.

અબ્દુલ્લાહે કહ્યું કે, "અમારા દેશમાં બધા ધર્મો સદ્ભાવ સાથે રહે છે. અમે બધાના અધિકારીની સુરક્ષાનું કામ કરીશું. પરંતુ ધર્મના બહાને સક્રિય ચરમપંથી સંગઠનોને બાંગ્લાદેશમાં એક ઇન્ચ પણ જગ્યા નહીં મળે. સેફુલની બર્બર હત્યા કરવામાં આવી હતી. આ ઇસ્કૉનને એક ટેરરિસ્ટ ગ્રૂપ તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે."

બાંગ્લાદેશના ચટગાંવમાં ઇસ્કૉન મંદિર સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને જેલ મોકલવામાં આવ્યા બાદ માહોલ તણાવપૂર્ણ છે.

ચિન્મય કૃષ્ણ દાસને જેલ મોકલવા ઉપરાંત 32 વર્ષના વકીસ સેફુલ ઇસ્લામની મંગળવારના ચટગાંવ કોર્ટ પરિસરમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદથી વિસ્તારમાં તણાવ છે.

ચિન્મય કૃષ્ણ દાસને જેલ મોકલવા પર ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી અને આને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી પર થઈ રહેલા અતિવાદી હુમલા સાથે જોડ્યા હતા.

તેના જવાબમાં બાંગ્લાદેશે કહ્યું કે ભારત તેના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

 હેમંત સોરેન,ઝારખંડ, મુખ્યમંત્રી,વિધાનસભા

વિધાનસભા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન પછી હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે સોગંધ લેશે.

હેમંત સોરેને સોગંધવિધિ સમારંભમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત ઘણા ટોચના નેતાઓને આમંત્રણ આપ્યું છે.

આ સમારોહ ઝારખંડની રાજધાની રાંચીના મોરહાબાદી મેદાનમાં સાંજે 4 વાગ્યે યોજાશે.

બુધવારે સાંજે, હેમંત સોરેને સમારંભની તૈયારીઓની વિગતો મેળવી હતી.

તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં, ઝારખંડ મુક્તિ મોરચા(ઝામુમો)ના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 81 સભ્યોની વિધાનસભામાં 56 બેઠકો મળી હતી.

જેમાં એકલા ઝામુમોને 34, કૉંગ્રેસને 16, રાષ્ટ્રીય જનતા દળને ચાર અને સીપીઆઈ-એમએલને બે બેઠકો મળી હતી.

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ તેની પૂર્વ મંગેતરે બળાત્કારની ફરિયાદ દાખલ કરી છે. જેને પગલે રાજકોટના માલવિયાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

રાજકોટથી બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા અનુસાર લગ્નની લાલચ આપીને શારીરિક સબંધ બાંધવાનો આરોપ જીત પાબારી પર પૂર્વ મંગેતર દ્વારા લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે સગાઈ થયા પછી જીત પાબારીએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. યુવતીની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસ મથકમાં જીત પાબારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, જીત પાબારીએ બે વર્ષ પહેલા લગ્નની લાલચ આપીને ફરિયાદી સાથે બળાત્કાર કર્યો હતો. હવસ સંતોષાઈ ગયા બાદ સગાઈ તોડી નાંખવામાં આવી હતી.

આરોપીએ સગાઈ તોડ્યા પછી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં.

સગાઈ પછી બળાત્કારની ઘટનાઓ પછી ફરિયાદીને ધમકાવવામાં આવી હતી એવું તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે. તેણે એમ પણ ફરિયાદમાં કહ્યું છે કે આ પૂર્વયોજિત કાવતરું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી.

ડીસીપી જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું હતું કે, "લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. હજી સુધી આ મામલે કોઈ ધરપકડ નથી થઈ. તપાસ અને પુરાવા મેળવવાનું કામ ચાલી રહ્યું છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.