જઝેલ પેલિકોટના રેપ મામલામાં પૂર્વ પતિને 20 વર્ષની જેલ, 50 અન્ય લોકો દોષિત જાહેર – ન્યૂઝ અપડેટ્સ

જઝેલ પેલિકોટના પૂર્વ પતિ પર આરોપ છે કે તેમણે 50 લોકો મારફતે પોતાનાં જ પત્ની પર રેપ કરાવ્યો
ઇમેજ કૅપ્શન, જઝેલ પેલિકોટના પૂર્વ પતિ પર આરોપ છે કે તેમણે 50 લોકો મારફતે પોતાનાં જ પત્ની પર રેપ કરાવ્યો
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ફ્રાન્સમાં જઝેલ પેલિકોટ સાથે વર્ષો સુધી બળાત્કારના મામલમાં સજા સંભળાવાઈ છે. કોર્ટે જઝેલના પૂર્વ પતિ ડૉમિનિક પેલિકોટને 20 વર્ષની સજા સંભળાવી છે.

ડૉમિનિક પોતાનાં પત્નીને ઊંઘની ગોળી આપીને તેમના પર બળાત્કાર કરાવતા હોવાનું સાબિત થયું છે.

આ મામલામાં 50 લોકોને આરોપી બનાવાયા હતા. કોર્ટે એક-એક કરીને તમામને સજા ફટકારી છે.

ડૉમિનિક પેલિકોટને પોતાનાં દીકરી કેરોલિન, વહુ અરૉર અને સેલિનની પણ અશ્લીલ તસવીરો લેવાના દોષિત માનવામાં આવ્યા છે.

મામલામાં અન્ય સહઆરોપી જ્યાં પિયરે સહિત અન્યોને પણ સજા કરાઈ છે.

કુલ 50 લોકો પર જઝેલ પેલિકોટ સાથે રેપ કરવાનો આરોપ હતો. તેમાં પત્રકાર, ડીજે સિવાય અગ્નિશામકદળના કર્મચારી, ટ્રક ડ્રાઇવર, સૈનિક અને સિક્યૉરિટી ગાર્ડ સામેલ હતા.

ભાજપના સંસદસભ્ય પ્રતાપ સારંગીએ રાહુલ ગાંધી ઉપર ધક્કામુક્કીનો આરોપ મૂક્યો, રાહુલ ગાંધી શું બોલ્યા?

રાહુલ ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા , પ્રતાપ સારંગી, સંસદમાં ધક્કામૂક્કી
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી પર ભાજપ સાંસદ સાથે ધક્કા-મુક્કીનો આરોપ છે.

ભાજપના સંસદ પ્રતાપ સારંગીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર ધક્કા-મુક્કી કરવાનો આરોપ મૂક્યો છે.

પ્રતાપ સારંગીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, "રાહુલ ગાંધીએ એક એમપીને (સંસદસભ્યને) ધક્કો માર્યો. એ એમપી મારા ઉપર પડ્યા એટલે હું નીચે પડી ગયો."

સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ભાજપના સંસદસભ્ય વ્હીલચૅર પર લઈ જવાતા જોવા મળ્યા હતા અને તેમના માથા ઉપર પટ્ટી પણ બાંધેલી હતી.

દરમિયાન રાહુલ ગાંધીએ ધક્કા-મુક્કી મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે પત્રકારોને જણાવ્યું, "હું સંસદગૃહમાં પ્રવેશદ્વારેથી અંદર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાજપના સંસદસભ્યે મને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ધક્કો દીધો."

રાહુલ ગાંધીએ કહ્યું, "ધક્કાધક્કીથી મને કંઈ થતું નથી. આ સંસદનો પ્રવેશદ્વાર છે તથા અમને અંદર પ્રવેશ કરવાનો અધિકાર છે અને ભાજપના સભ્ય અમને અંદર જતા અટકાવી રહ્યા હતા."

અમિત શાહના રાજીનામાની કૉંગ્રેસની માગના સવાલ અંગે રાહુલે કહ્યું, "આ સૅન્ટ્રલ ઇસ્યૂ છે. તેઓ બંધારણ ઉપર આક્રમણ કરી રહ્યું છે અને આંબેડકરની સ્મૃતિઓનું અપમાન કરે છે."

રાહુલ ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા , પ્રતાપ સારંગી, સંસદમાં ધક્કામૂક્કી
ઇમેજ કૅપ્શન, પ્રતાપ સારંગી

રાજ્યસભામાં ભાષણ દરમિયાન અમિતશાહે બંધારણનિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસા ઉપર ચર્ચામાં ભાગ લીધો હતો.

અમિત શાહે કહ્યું હતું કે આજકાલ આંબેડકરનું નામ લેવા ફૅશન બની ગયું છે. તેમણે કહ્યું હતું, "હવે આ એક ફૅશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો ભગવાનના આટલા નામ લીધા હોત તો સાત જન્મ માટે સ્વર્ગ મળી ગયું હોત."

કૉંગ્રેસે ગૃહ મંત્રી અમિત શાહના ભાષણના આટલા હિસ્સા વિશે વાંધો નોંધાવ્યો છે અને તેમના રાજીનામાની માગ કરી છે. જોકે, ભાજપનું કહેવું છે કે અમિત શાહના વીડિયોને ઍડિટ કરીને રજૂ કરવામાં આવી રહ્યો છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

જમ્મુ-કાશ્મીર અથડામણમાં પાંચ ઉગ્રવાદીઓનાં મૃત્યુ

ભારતીય સૈનિકની તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુરૂવારે સવારે કાશ્મીરના કુલગામ વિસ્તારમાં પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પાંચ ઉગ્રવાદી મૃત્યુ પામ્યા છે.

આ અથડામણમાં ભારતીય સેનાના બે જવાન પણ ઘાયલ થયા છે.

કાશ્મીરની ઝોન પોલીસ તથા ભારતીય સેનાએ તેમના સોશિયલ મીડિયા ઉપર આ વિશે માહિતી આપી હતી.

કશ્મીર ઝોન પોલીસે આપેલી માહિતી મુજબ, કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. ભારતીય સેનાએ પણ તેની ઍક્સ પોસ્ટમાં આના વિશે માહિતી આપી હતી.

જે મુજબ, "તા. 19 ડિસેમ્બરના કુલગામમાં 'આતંકવાદીઓ'ની હાજરી વિશે ગુપ્ત મહિતી મળી હતી, જેના આધારે ભારતીય સેના તથા કાશ્મીર પોલીસે સંયુક્ત અભિયાન કાદર હાથ ધર્યું હતું."

ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે, કુલગામમાં સૈનિકોએ સંદિગ્ધ હિલચાલ જોઈને તેને પડકારી હતી. જેના જવાબમાં 'આતંકવાદીઓએ' ભારે તથા અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. એ પછી સૈનિકોએ પ્રભાવક રીતે વળતી કાર્યવાહી હાથ ધરી હતી.

સુનીતા વિલિયમ્સના પૃથ્વી ઉપર પરત ફરવામાં હજુ મોડું થશે

પહેલી તસવીરનું અલટરનેટિવ ટેક્સ્ટ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં ગુજરાતી મૂળનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તથા તેમની સાથેના અવકાશયાત્રી બૂચ વિલ્મૉરને ધરતી પર પરત લાવવાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં હજી મોડું થઈ શકે છે, એમ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાનું કહેવું છે.

નાસાના નિવેદન પ્રમાણે, બંને અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પુનરાગમન માર્ચ કે એપ્રિલ મહિનામાં શક્ય બનશે.

રોકાણ લંબાવાને કારણે સુનીતા તથા બૂચના આરોગ્ય પર કોઈ અસર નહીં પડે, તેમની પાસે ખાવા-પીવાની ચીજો, ઑક્સિજન તથા કપડાં પૂરતાં પ્રમાણમાં છે.

નવેમ્બર મહિનામાં બે વિશેષ ઉડાણો દ્વારા આઈએસએસ પર રહેલાં ક્રૂ મૅમ્બર્સને ક્રિસમસના તહેવારો દરમિયાન ઉજવણી માટેનો સામાન તથા અન્ય જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ મોકલવામાં આવી હતી.

ઈલોન મસ્કની કંપની સ્પૅસઍક્સ દ્વારા નિર્મિત વિશેષ રૉકેટ મારફત ફેબ્રુઆરી મહિનામાં સુનીતા અને બૂચને પૃથ્વી પર પરત લાવવાની યોજના હતી.

એ પછી નાસાએ સ્થિતિની સમીક્ષા કરતા સ્પૅસ ઍક્સના નવનિર્મિત ડ્રૅગન કૅપ્સ્યૂલ દ્વારા તેમને પૃથ્વી પર પરત લાવવાનો વિકલ્પ વધુ ઉપયુક્ત જણાયો હતો.

ઉલ્લેખનીય છે કે બૉઇંગ દ્વારા નિર્મિત સ્ટારલાઇનર અવકાશયાનમાં સુનીતા અને બૂચ આંતરરાષ્ટ્રીય અવકાશમથક પહોંચ્યાં હતાં. તેઓ એક અઠવાડિયામાં પરત ફરવાના હતા, પરંતુ સ્ટારલાઇનરમાં ખામી સર્જાતા તેમનું રોકાણ લંબાઈ ગયું હતું.

સંભલના MP જિયા-ઉર રહમાન બર્ક સામે FIR

સમાજવાદી પાર્ટી સંસદસભ્ય

ઉત્તર પ્રદેશની સંભલ બેઠક ઉપરથી સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય જિયા-ઉર રહમાન બર્ક સામે વીજચોરીની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

સંસદના સંભલસ્થિત નિવાસસ્થાને ગુરૂવારે સવારે ઉત્તર પ્રદેશ વીજ વિભાગની એક ટીમ પહોંચી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, આ ટીમે સંસદસભ્યના ઘરે લાગેલા મીટર તથા અન્ય ઉપકરણોની તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

રાજ્યના વીજવિભાગના અધિકારી ડી.કે. ગુપ્તાના જણાવ્યા પ્રમાણે તપાસ માટે પાંચ અધિકારી ગયા હતા, જેમાં બે સબ ડિવિઝનલ ઓફિસર તથા બે જુનિયર એંજિનિયર હતા.

ડી.કે. ગુપ્તાના કહેવા પ્રમાણે, "પહેલાં ઘરનું તાળું નહોતું ખોલવામાં આવ્યું, એ પછી ચેકિંક કરવા દેવામાં નહોતી આવી. તેમની સામે સરકારી કામમાં અવરોધ ઊભો કરવાની એફઆઈઆર દાખલ કરવામાં આવશે."

"તેમના (સંસદસભ્ય) ઘરે બે-બે કિલોવોટના બે વીજકનેક્શન હતા. એક નામ સંસદસભ્ય તથા બીજું તેમના દાદાના નામે હતું. તેમની સામે વીજચોરીની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે."

એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, સંસદસભ્યના નિવાસસ્થાને વીજવપરાશમાં ગેરરીતિઓ મળી આવી હતી.

સંભલના એસડીઓ (સબ ડિવિઝનલ ઓફિસર) સંતોષ ત્રિપાઠીએ પત્રકારોના સવાલોના જવાબ આપતા જણાવ્યું, "અમે માત્ર વીજભારણની ગણતરી કરી રહ્યા છીએ."

બીજી બાજુ, સંભલનાં એસડીએમ (સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ) વંદના મિશ્રે જણાવ્યું, "અમે વીજચોરી સામે નિયમિત રીતે અભિયાન ચાલવતા હોઈએ છીએ. અમને બાતમી મળી હતી કે વીજકનેક્શન બરાબર રીતે લાગેલું નથી તથા નિયમભંગ થઈ રહ્યો છે."

પાકિસ્તાનના બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં સામેલ ચાર કંપનીઓ ઉપર પ્રતિબંધ

પાકિસ્તાન મિસાઇલ, અમેરિકા પ્રતિબંધ,
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની મિસાઇલની પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે પાકિસ્તાનના બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં સામેલ ચાર કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બીબીસી ઉર્દૂના અહેવાલ પ્રમાણે, "અમેરિકાના વિદેશવિભાગના પ્રવક્તા મૅથ્યૂ મિલર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાનની લાંબા અંતરની મિસાઇલોના કાર્યક્રમ તથા તેને વિકસાવવાથી ઉત્પન્ન થનારા સંભવિત જોખમોને પગલે વહીવટી આદેશ હેઠળ પાકિસ્તાનની ચાર સંસ્થાઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે."

મૅથ્યૂ મિલરે તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું, "પાકિસ્તાનના બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં સામેલ ચાર પાકિસ્તાની કંપનીઓને અમેરિકાએ ચિહ્નિત કરી છે. અમે અમારી ચિંતાઓ અંગે સ્પષ્ટ છીએ તથા સુસંગત વલણ ધરાવીએ છીએ. અમે આ મુદ્દે પાકિસ્તાન સાથે સંવાદ ચાલુ રાખીશું."

અમેરિકાએ પાકિસ્તાનની જે ચાર કંપનીઓ ઉપર પ્રતિબંધ લાદ્યાં છે તેમાં નેશનલ ડેવલ્પમેન્ટ કૉમ્પલેક્સ, અખ્તર ઍન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ફિલેટ્સ ઇન્ટરનેશનલ તથા રૉકસાઇટ ઍન્ટરપ્રાઇઝિસનો સમાવેશ થાય છે.

અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડ્યા

અમેરિકા, ફેડરલ રિઝર્વ બેન્ક, શેરબજાર, બીબીસી ગુજરાતી

અમેરિકાની ફેડરલ રિઝર્વ બૅન્કે ચાલુ વર્ષમાં ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જેથી કરીને અર્થતંત્રને વેગ આપી શકાય. આ સાથે જ મોંઘવારી વધવાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે.

ફેડરલ બૅન્કનો નિર્ણય અપેક્ષા મુજબ જ હતો, કેમકે તે વ્યાજના દરને 4.25 થી 4.5 ટકા આસપાસ રાખવા માગતી હતી.

સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત થઈ, ત્યારથી અત્યારસુધીમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. તેના કારણે રોજગારનું સર્જન થઈ રહ્યું હોવાના અને મોંઘવારી વધી હોવાના અહેવાલ છે.

અગાઉ વર્ષ 2025માં ચાર વખત ઘટાડો થશે એવી સંભાવના હતી, પરંતુ ફેડરલ બૅન્કના ગવર્નરે સંભાવના વ્યક્ત કરી હતી કે બે વખત જ ઘટાડો થશે.

એ પછી અમેરિકાના શેરબજાર નાસ્ડેકમાં સાડા ત્રણ ટકા, એસઍન્ડપી 500માં ત્રણ ટકા અને ડાઉ જોન્સ સૂચકાંકમાં અઢી ટકા જેટલો ઘટાડો થયો હતો.

ગુરૂવારે ભારતીય શેરબજારો આ ઘટાડા પર કેવી પ્રતિક્રિયા આપે છે, તેના પર પણ નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે તા. 20 જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળશે. એ પછી નવી સરકાર કાર્યભાર સંભાળશે. પદનામિત રાષ્ટ્રપતિ કરોમાં ઘટાડો કરવા ઇચ્છે છે તથા આયાતજકાત વધારવા માગે છે. જેની અસર પણ અમેરિકાના અર્થતંત્ર પર પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.