કૅનેડામાં હિંદુ મંદિર પર હુમલા મામલે વડા પ્રધાન મોદીએ શું કહ્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના બ્રૅમ્પટનમાં રવિવાર એક હિંદુ મંદિરમાં થયેલા હુમલાને લઈને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વડા પ્રધાન મોદીએ લખ્યું કે, "હું કૅનેડામાં હિંદુ મંદિર પર જાણીજોઈને કરવામાં આવેલા હુમલાની આકરી ટીકા કરું છું. અમારા રાજદ્વારીઓને ડરાવવા-ધમકાવવાના કાયરતાપૂર્ણ પ્રયત્ન પણ એટલા જ ભયાવહ છે. હિંસાની આવી હરકતો ભારતના સંકલ્પને ક્યારેક નબળો નહીં પાડી શકે. અમને આશા છે કે કૅનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે."
ત્યારે આ મામલે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારના સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, "બ્રૅમ્પટનમાં આજે હિંદુ સભા મંદિર પર થયેલી હિંસા અસ્વીકાર્ય છે. કૅનેડાના દરેક નાગરિકને અધિકાર છે કે તે પોતાની ધાર્મિક આસ્થાનું આઝાદી અને પૂરી સુરક્ષા સાથે પાલન કરે."
ભારત અને કૅનેડા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે.
બંને દેશો વચ્ચે આ તણાવ ગયા વર્ષે ખાલિસ્તાન સમર્થક નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ શરૂ થયો હતો, જેમાં કૅનેડાએ ભારતની ભૂમિકા પર જાહેરમાં સવાલ ઉઠાવ્યા હતા.
આ વિવાદને કારણે બંને દેશોએ ઑક્ટોબર મહિનામાં એક બીજાના કેટલાક રાજદ્વારીઓને કાઢી મૂક્યા હતા.
હાલમાં જ કૅનેડાના એક મંત્રીએ નિજ્જર હત્યા મામલે ભારતના કેન્દ્રીય મંત્રી અમિત શાહનું નામ લીધું હતું.
કૅનેડામાં હિંદુ મંદિરમાં હુમલા પર ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
કૅનેડાના બ્રૅમ્પટનમાં એક હિંદુ મંદિરમાં થયેલા હુમલા પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે નિવેદન આપ્યું છે. તેમણે આ હુમલાની ટીકા કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "ચરમપંથીઓ અને અલગતાવાદીઓ દ્વારા કાલે બ્રૅમ્પટનમાં હિંદુ સભા મંદિરમાં કરવામાં આવેલા હુમલાની અમે ટીકા કરીએ છીએ. અમે કૅનેડા સરકાર સાથે વાત કરી અને એ સુનિશ્ચિત કર્યું કે પૂજાસ્થળોને આવા હુમલાથી બચાવવામાં આવે. અમે આશા રાખીએ છીએ કે હિંસામાં જે સામેલ હશે તેમને પકડી લેવામાં આવે."
"અમને કૅનેડામાં રહેતા ભારતીય નાગરિકોના બચાવ અને સુરક્ષાને ખૂબ ચિંતા છે."
જાયસવાલે કહ્યું કે, "ભારતીયો અને કૅનેડાના નાગરિકોને સમાન રૂપથી સેવા પ્રદાન કરવા માટે અમારું વાણિજ્ય દૂતાવાસ ડર્યા વિના કામ કરતું રહેશે."
આ હુમલાની કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ ટીકા કરી હતી.
તેમણે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "બ્રૅમ્પટનમાં હિંદુ સભા મંદિરમાં થયેલી હિંસા અસ્વીકાર્ય છે. દરેક કૅનેડિયનને પોતાના ધર્મની સ્વતંત્ર અને સુરક્ષિત રીતે પાલન કરવાનો અધિકાર છે. સ્થાનિક પોલીસે આ ઘટનાની તપાસ અને પ્રભાવિત સમુદાયની સુરક્ષા માટે તરત પગલાં લીધાં."
SBI બૅન્કે ઑનલાઇન છેતરપિંડીથી બચવા માટે શું ચેતવણી આપી

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રૉડના વધતા કેસને જોતાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડ્યા (એસબીઆઈ)એ એક ચેતવણી જાહેર કરી છે.
એસબીઆઈએ મોબાઇલ પર ટેક્સ્ટ, મેલ અથવા વૉટ્સઍપ મૅસેજ મારફતે આવનારા રિવૉર્ડ પૉઇન્ટ્સ માટે આપી છે.
એસબીઆઈએ એક્સ પર એક પોસ્ટમાં બૅન્કના ગ્રાહકોને જણાવ્યું છે કે, "ફ્રૉડ કરનારાઓથી સાવચેત રહેવું. જોવામાં આવ્યું છે કે ફ્રૉડ કરનારાઓ એસએમએસ અથવા વૉટ્સઍપ પર એસબીઆઈ રિવૉર્ડ્સ પૉઇન્ટ્સને રિડીમ કરવાના મૅસેજ મોકલી રહ્યા છે."
એસબીઆઈએ કહ્યું છે કે, "કૃપા કરીને ધ્યાન રાખો કે એસબીઆઈ ક્યારેય પણ આ પ્રકારના સંદેશ એસએમએસ અથવા વૉટ્સઍપ પર નથી મોકલતી. કૃપા કરીને આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો અને અજાણી ફાઇલ્સને ડાઉનલોડ ન કરો."
છેલ્લા કેટલાક દિવસોમાં ડિજિટલ અથવા ઑનલાઇન ફ્રૉડની ઘટનાઓ વધી છે. હાલના દિવસોમાં કેટલાક ડિજિટલ ફ્રૉડની ઘટનાઓ પણ સામે આવી છે જેમાં લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે.
ઉત્તરાખંડના અલ્મોડામાં ખીણમાં પડેલી બસના અકસ્માતમાં 36 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી હિંદીના સહયોગી આસિફ અલીએ જણાવ્યું છે કે સોમવારે સવારે ઉત્તરાખંડના અલમોડાના માર્ચુલામાં યાત્રી બસ ખીણમાં પડી ગઈ હતી.
કુમાઊંના કમિશનર દીપક રાવત અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 36 લોકોનાં મોત થયાં છે.
બસ અકસ્માતમાં 15 લોકોની ઈજા થઈ છે જેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ રામનગર જઈ રહી હતી જે સલ્ટ પાસે કોપિ નામની જગ્યા પર પડી ગઈ હતી.
અલમોડાના સલ્ટ વિસ્તારના એસડીએમ અધિકારી સંજય કુમારે બીબીસી હિંદીને જણાવ્યું કે, "દુર્ઘટનામાં મૃત લોકોના મૃતદેહ કાઢવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવી રહ્યા છે."
તેમણે જણાવ્યું કે, "બસમાં જે લોકો ફસાયેલા છે તેમને કાઢવામાં આવી રહ્યા છે."
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ અલમોડામાં બસ અકસ્માત પર અધિકારીઓ પાસેથી માહિતી લીધી છે.
પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, જિલ્લા અલમોડાના માર્ચુલામાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનામાં યાત્રિકોના મૃત્યુના દુ:ખદ સમાચાર મળ્યા. જિલ્લા વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર પુષ્કરસિંહ ધામીએ પૌડી અને અલમોડાના એઆરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
કૅનેડાના બ્રૅમ્પ્ટનમાં હિન્દુ મંદિર ઉપર હુમલો, PM ટ્રુડોએ આપી પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના ટૉરેન્ટોના બ્રૅમ્પ્ટન વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિરના પરિસરમાં રવિવારે હુમલો થયો હતો.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હુમલાની ટીકા કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "બ્રૅમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિરમાં થયેલી હિંસા અસ્વીકાર્ય છે. દરેક કૅનેડિયનને પોતાના ધર્મના સ્વતંત્ર અને સુરક્ષિત પાલનનો અધિકાર છે. પ્રાદેશિક પોલીસે આ ઘટનાની તપાસ તથા પ્રભાવિત સમુદાયની સુરક્ષા માટે તત્કાળ પગલાં લીધાં હતાં."
કૅનેડાના હિન્દુ સંસદસભ્ય ચંદ્રા આર્યે સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપતી સોશિયલ મીડિયા પોસ્ટ લખી હતી. હિન્દુ મંદિર ઉપર હુમલો વીડિયો શૅર કરતા તેમણે લખ્યું :
"કૅનેડાના ખાલિસ્તાની ચરમપંથીઓએ તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. બ્રૅમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિરના પરિસરમાં હિન્દુ-કૅનેડિયન ભક્તો ઉપર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો. જે દેખાડે છે કે કૅનેડામાં ખાલિસ્તાની હિંસક ચરમપંથ કેટલો ઊંડે સુધી પેધી ગયો છે અને બેશરમ થઈ ગયો છે."
ચંદ્રાએ લખ્યું, "મને લાગવા માંડ્યું છે કે ખાલિસ્તાનીઓએ કૅનેડાના રાજકીય તંત્ર ઉપરાંત આપણી કાયદાકીય એજન્સીઓમાં અસરકારક રીતે ઘૂસણખોરી કરી છે, એવા અહેવાલોમાં થોડું સત્ય છે."
આર્યના કહેવા પ્રમાણે, "એ વાતમાં જરા પણ શંકા નથી કે 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ની આડમાં ખાલિસ્તાની ચરમપંથીઓને કૅનેડામાં એકદમ છૂટ મળી રહી છે. હું લાંબા સમયથી કહી રહ્યો છું કે હિન્દુ-કૅનેડિયન લોકોએ પોતાના સમુદાયની સુરક્ષા અને બચાવ માટે આગળ આવવું જોઈએ અને પોતાના અધિકારોની માગ કરવી જોઈએ તથા રાજનેતાઓને જવાબદાર બનાવવા જોઈએ."

ઉત્તરાખંડમાં બસ અકસ્માત, ઓછામાં ઓછા 22નાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Asif Ali
આસિફ અલી
ઉત્તરાખંડથી બીબીસી હિંદી માટે
ઉત્તરાખંડના અલમોડાના માર્ચુલામાં અનિયંત્રિત બસ ગાડીમાં ખાબકતાં ઓછામાં ઓછા 22 લોકોનાં મૃત્યુ થયાં છે. ઘટના વિશે જાણ થતાં સ્થાનિકોની મદદથી રાહત અને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
અલમોડા જિલ્લા આપદા પ્રબંધન અધિકારી વિનીત પાલે બીબીસી હિંદીને જણાવ્યું, "બસ દુર્ઘટનામાં 22 લોકોનાં મૃત્યુ થયાં છે."
અકસ્માતમાં ઘાયલ 15 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, બસ રામનગર જઈ રહી હતી, ત્યારે સલ્ટ પાસે કૉપિ નામના સ્થાને તે ખીણમાં ખાબકી હતી.
સલ્ટ વિસ્તારના એસડીએમ (સબ ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ) સંજય કુમારે બીબીસી હિંદીને જણાવ્યું, "દુર્ઘટનામાં મૃતકોનાં શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે તથા ઘાયલોને ઉપચાર માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે."
એસડીએમે ઉમેર્યું, "બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે."
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ સંબંધિત અધિકારીઓ સાથે ફોન ઉપર વાત કરીને બસ અકસ્માત વિશે માહિતી મેળવી હતી. ધામીએ ઝડપભેર બચાવ અને રાહત કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સની (એસડીઆરએફ) ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
પુષ્કરસિંહ ધામીએ તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું કે ઘાયલોને સારવાર અર્થે નજીકના સારવાર કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ ગંભીર રીતે ઘાયલોને વધુ સારવાર માટે ઍરલિફ્ટ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, મુખ્ય મંત્રી ધામીએ પૌડી અને અલમોડાના એઆરટીઓ અધિકારીને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. તેમણે મૃતકોના પરિવારજનોને રૂ. ચાર-ચાર લાખ તથા ઘાયલોને રૂ. એક-એક લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્ષેત્રન્યાસની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્રિકેટમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે ઍક્સ ઉપર સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને આ વાતની જાહેરાત કરી હતી.
સાહાએ તેમના ટ્વીટમાં લખ્યું, "ક્રિકેટની યાદગાર સફર બાદ આ સિઝન મારી છેલ્લી સિઝન હશે. નિવૃત્ત થતાં પહેલાં માત્ર રણજી ટ્રૉફી રમીને, બંગાળનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવીને હું ગૌરવની અનુભૂતિ કરું છું. આવો આ સિઝનને યાદગાર બનાવીએ."
સાહા લાંબા સમયથી બંગાળના વિકેટકીપર તરીકે રણજી ટીમમાં રમી રહ્યા છે.
રિદ્ધિમાન સાહા ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. તેમણે 40 ટેસ્ટ મૅચમાં 1353 રન ફટકાર્યા છે. આ સિવાય નવ વનડે મૅચમાં 41 રન બનાવ્યા છે.
સાહાએ છેલ્લે વર્ષ 2021માં છેલ્લી ટેસ્ટ મૅચ રમી હતી. તેમણે લગભગ 10 વર્ષ અગાઉ 2014માં છેલ્લી વનડે મૅચ રમી હતી.
તેઓ આઈપીએલની પાંચ ટીમો વતી મેદાનમાં ઊતરી ચૂક્યા છે. કોલકતા નાઇટ રાઇડર્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ તથા ગુજરાત ટાઇટન્સના માલિકોએ અલગ-અલગ સિઝનમાં સાહા ઉપર દાવ લગાવ્યો હતો.
હૅરિસે કહ્યું, "હું ગાઝાનું યુદ્ધ અટકાવીશ"

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટેનો ચૂંટણીપ્રચાર અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે.
ડેમૉક્રેટિક પાર્ટીનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હૅરિસે મિશિગન સ્ટૅટ યુનિવર્સિટીમાં મતદારોને સંબોધિત કર્યા હતા.
આ બેઠકમાં હૅરિસે કહ્યું, "ગાઝાનું યુદ્ધ અટકાવવા માટે હું મારા તમામ પ્રયાસો કરીશ."
અહીં આરબ-અમેરિકન બહોળી સંખ્યામાં વસે છે, ત્યારે હૅરિસે તેમને આકર્ષવા માટે આ જાહેરાત કરી હતી.
બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ચૂંટાઈ આવે તો પોતાના કાર્યકાળનાં ચાર વર્ષને "અમેરિકાના ઇતિહાસનાં સૌથી મહાન ચાર વર્ષ" બનાવવાની વાત કહી છે.
ટ્રમ્પે આ સિવાય તેમના સમર્થનમાં ખસી જનારા રૉબર્ટ એફ. કૅનેડી જુનિયરને પોતાના શાસનતંત્રમાં 'મહત્ત્વપૂર્ણ ભૂમિકા' આપવાની વાત કહી છે.
તેમણે અમેરિકામાં વધુ ને વધુ ડ્રિલિંગ કરીને તેલ કાઢવાની વાત કહી છે, જેથી કરીને ઊર્જાખર્ચ ઓછો થાય અને મોંઘવારી ઘટે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવા માટે સાત રાજ્યોને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મતદારોનો મિજાજ જાણવા માટે કરવામાં આવતા સર્વેમાં બંને ઉમેદવાર વચ્ચે 'માર્જિન ઑફ ઍરર' કરતાં ઓછો તફાવત રહે છે, જેના કારણે કોણ વિજયી બનશે તેના વિશે નિશ્ચિત રીતે કશું કહી શકાય એમ નથી.
સર્વેમાં સંભવિત પરિણામ માટે જે 'વધારા કે ઘટાડાની સંભાવના' હોય છે, તેને માર્જિન ઑફ ઍરર કહેવામાં આવે છે.
સ્પેનના રાજાનો જનતા દ્વારા વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેનના વૅલેન્સિયા પ્રાંતમાં ભારે પૂરનાં પગલે ફેલાયેલી તારાજીને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્પેનના રાજા ફિલિપ તથા રાણી લૅટિઝિયા, વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અસરગ્રસ્તોને મળવા માટે વૅલેન્સિયાના પાઇપૉર્ટા નગરમાં ગયાં હતાં. અહીં લોકોએ રાજા અને રાણી ઉપર માટી તથા વસ્તુઓ ફેંકી હતી.
આ સિવાય લોકોએ મુલાકાતીઓ માટે "હત્યારા" અને "શરમ" જેવી નારેબાજી પણ કરી હતી.
રાજા તથા અન્યોએ નારાજ લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓને સાંભળીને, તેમને આલિંગન આપીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોનું માનવું છે કે વહીવટીતંત્ર દ્વારા પૂરતી ચેતવણી આપવામાં નહોતી આવી, જેના કારણે 200 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
ઉશ્કેરાયેલા લોકોને જોઈને સુરક્ષાકર્મીઓએ તત્કાળ તેમને સલામતસ્થળે ખસેડ્યાં હતાં, ત્યારે લોકોએ તેમની ગાડી ઉપર પણ ચીજવસ્તુઓ ફેંકી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























