રશિયાએ યુક્રેન પર સપ્ટેમ્બર બાદ સૌથી મોટો હુમલો કર્યો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, State Emergency Service Of Ukraine
રશિયાએ યુક્રેનની ઘણી જગ્યાએ સેંકડો મિસાઇલો અને ડ્રૉન વડે હુમલો કર્યો છે. આ હુમલો સપ્ટેમ્બર બાદ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. આ હુમલામાં રશિયાએ ફરી વખત યુક્રેનનાં ઉર્જામથકોને નિશાન બનાવાયાં છે. જેમાં જનરેટર અને ટ્રાંસમિશન સ્ટેશનો સામેલ છે.
યુક્રેનના દક્ષિણસ્થિત મિકોલેવ શહેર સૌથી પ્રભાવિત શહેરો પૈકીનું એક છે. યુક્રેનની ઇમર્જન્સી સેવાઓના જણાવ્યા પ્રમાણે હુમલામાં બે મહિલાઓનાં મૃત્યુ થયાં છે જ્યારે કે છ લોકો ઘાયલ થયા છે. જેમાં બે બાળકોનો સમાવેશ પણ થાય છે.
મિકોલેવના ગવર્નર વિતાલીય કિમે જણાવ્યું છે કે રવિવારે સવારે સેંકડો ડ્રૉન વડે હુમલાઓ થયા હતા. તેમનું કહેવું હતું કે તેને કારણે ઘણાં ઘરો, ઊંચી ઇમારતો, કારો અને એક શૉપિંગ સેન્ટર તથા એક બુનિયાદી ઢાંચાને નુકસાન થયું છે. યુક્રેનની રાજધાની કિએવમાં મિસાઇલો અને ડ્રૉનને રોકવામાં આવ્યા હતા તેના ટૂકડાઓ ઠેર-ઠેર પડેલા જોવા મળે છે. જોકે કિએવમાં કોઈના ઘાયલ થવાની માહિતી નથી.
મણિપુરમાં હિંસા વચ્ચે કૉંગ્રેસે કહ્યું, ‘ન મણિપુર એક છે ન સેફ છે’

ઇમેજ સ્રોત, Getty Images
મણિપુરમાં શનિવારે થયેલી હિંસા પર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાની પ્રતિક્રિયા જાહેર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે.
મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ પર લખ્યું, “નરેન્દ્ર મોદી જી તમારી ડબલ ઍંજિન સરકારમાં ન મણિપુર એક છે ન સેફ છે. મે, 2023થી મણિપુર અસહ્ય દર્દ, વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યું છે.”
કૉંગ્રેસ અધ્યક્ષે એમ પણ લખ્યું, “અમે જવાબદારી સાથે કહીએ છીએ કે એવું લાગે છે કે ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માગે છે. કારણકે આ તેની ધૃણિત વિભાજનકારી રાજનીતિને આગળ ધપાવે છે.”
મણિપુરમાં શુક્રવારે જિરી નદીમાં એક મહિલા અને બે બાળકોના મૃતદેહો મળી આવ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. હિન્દુસ્તાન ટાઇમ્સ અને ઇન્ડિયન ઍક્સપ્રેસના રિપોર્ટ અનુસાર હિંસક ભીડે ભાજપના કેટલાક નેતાઓનાં ઘરો પર હુમલો કરવાની કોશિશ પણ કરી હતી.
શી જિનપિંગે કહ્યું કે ટ્રમ્પ સાથે મળીને કરશે કામ

ઇમેજ સ્રોત, Reuters
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જો બાઇડને શનિવારે પેરુમાં વાર્ષિક એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ એટલે કે એપેકના શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શી જિનપિંગે હાલના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પોતાની આખરી મુલાકાતમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાની વાત કરી છે.
મુલાકાત દરમિયાન શી જિનપિંગે બાઇડન કાર્યકાળમાં અમેરિકાના સંબંધોમાં ભરતી-ઓટ આવી હોવાનો સ્વીકાર કર્યો.
શી જિનપિંગ અને બાઇડને વ્યાપાર અને તાઇવાન મુદ્દે તણાવ ઓછો કરવા મામલે પણ ચર્ચા કરી.
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ વિશ્લેષકોનું અનુમાન છે કે બે મહિના બાદ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆત બાદ ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી શકે છે.
ટ્રમ્પે એવું કહ્યું છે કે ચીની આયાત પર 60 ટકા ટૅક્સ વધારશે. પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ચીનને અમેરિકાનો સૌથી મોટો પ્રતિદ્વંદ્વી કહ્યું હતું.
મણિપુરની ઇમ્ફાલ ખીણમાં કર્ફ્યૂ, હિંસક ટાળાએ કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓનાં ઘરો ફૂંક્યાં

ઇમેજ સ્રોત, Getty Images
મણિપુર અને આસામની સરહદ પાસે જિરી નદીમાં શુક્રવારે એક મહિલા અને બે બાળકોના મૃતદેહો મળી આવતાં મણિપુરમાં ફરી વખત હિંસા ભડકી ઊઠી છે.
મણિપુરમાં શનિવારે ભીડે ઇમ્ફાલ ખીણમાં કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓનાં ઘરો પર હુમલો કર્યો હતો અને કેટલાંક વાહનોને આગ ચાંપી હતી.
મણિપુરની સ્થિતિ પર લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, “હાલમાં જ મણિપુરમાં થયેલી હિંસક ઘટનાઓથી ચિંતા પેદા થઈ છે. એક વર્ષથી વધુ સમયથી વિભાજન અને પીડા સહન કર્યા બાદ તમામ ભારતીયોને આશા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો શાંતિ માટે સંભવ પ્રયાસો કરશે અને કોઈ સમાધાન કાઢશે.”
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું, “હું ફરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર અને આ ક્ષેત્રમાં શાંતિ અને સુધારની દિશામાં કામ કરવાનો આગ્રહ કરું છું.”
ઇમ્ફાલ વેસ્ટના પોલીસ અધીક્ષક મેઘચંન્દ્રાએ કહ્યું છે કે ઇમ્ફાલ ખીણમાં ભીડે હિંસા આચરી છે. તેમણે બીબીસીને કહ્યું, “જિલ્લામાં બગડતા માહોલને ધ્યાનમાં રાખીને કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે.”

મણિપુર પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉશ્કેરાયેલી ભીડે ધારાસભ્યો તથા મંત્રીઓની અલગ-અલગ સંપત્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. તેમને વિખેરવા માટે ટિયરગૅસના શેલ છોડવામાં આવ્યા હતા. ભીડને વિખેરવાની કાર્યવાહી દરમિયાન આઠ લોકો ઘાયલ થયા હતા.
શહેરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ઇન્ટરનેટ તથા મોબાઇલ ડેટા સેવાઓને તાત્કાલિક અસરથી બે દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
રાજધાની ઇમ્ફાલમાં સુરક્ષા માટે સેના તથા આસામ રાયફલ્સની તહેનાતગી કરવામાં આવી છે. આ સિવાય ફ્લૅગમાર્ચ પણ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસના એસએસપી તથા સર્કલ ઓફિસરોને ધરતાલ પર ઉતરીને કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્થિતિ ઉપર અવિરત નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા હિંસા અને આગચંપીમાં લિપ્ત 23 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની મોદકતુલા

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya
મોરબી-રાજકોટ હાઈ-વે ઉપર નવનિર્મિત ઉમા સંસ્કારધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ સાથે અનેક બીજી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી.
મોરબીસ્થિતિ બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયા જણાવે છે કે ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન 451 દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારંભ દરમિયાન જ મોરબી પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખભાઈ પટેલની મોદકતુલા કરવામાં આવી હતી. આ મોદકને 60 હજાર બૉક્સમાં ભરીને કડવા પાટીદાર સમાજના પરિવારોને પહોંચાડવાનું આયોજન છે.
ઉલ્લેખનીય છે કે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકો મૃત્યુ પામ્યા હતા. એ પછી જયસુખભાઈ પટેલ જામીન ઉપર બહાર છે. તેમની ઉપર મોરબી જિલ્લામાં પ્રવેશબંધી છે. તેમણે આ કાર્યક્રમ માટે ત્રણ દિવસની શરતી મંજૂરી મેળવીને સમારંભમાં હાજરી આપી હતી.
નરેન્દ્ર મોદીનું નાઇજીરિયામાં ઉષ્માપૂર્ણ સ્વાગત

ઇમેજ સ્રોત, x/NarendraModi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દેશોની પાંચ દિવસીય યાત્રા શરૂ થઈ ગઈ છે. મોદી શનિવારે મોડી રાત્રે નાઇજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા હતા, જે તેમના પ્રવાસનો પહેલો પડાવ છે.
ઍરપૉર્ટ પર નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ તિનાબૂએ વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષ્માપૂર્ણ સ્વાગત માટે નાઇજીરિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ યાત્રાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધ વધુ ગાઢ બનશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું, "રાષ્ટ્રપતિ તિનાબૂનો આભાર. થોડી વાર પહેલાં નાઇજીરિયા પહોંચ્યો. ઉષ્માપૂર્ણ સ્વાગત માટે આભારી છું. આશા છે કે આ યાત્રા બંને દેશો વચ્ચેની દ્વિપક્ષી મિત્રતા તથા સંબંધોને વધુ ગાઢ બનાવશે."
પાટનગર અબૂજામાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડા પ્રધાનનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
મોદી નાઇજીરિયાથી બ્રાઝીલ જવા માટે રવાના થશે. ત્યાં જી-20 સંમેલનમાં ભાગ લેશે.
પીઆઈબી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો) દ્વારા બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ મુજબ ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલીએ પોતાના દેશની મુલાકાત લેવા માટે વડા પ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે.
ગત 50 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય વડા પ્રધાન ગુયાના જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























