'કાતિલ ઠંડીને લીધે આંગળી કાપી નાખવી પડી', યુરોપ પહોંચવાના ખતરનાક રૂટની કહાણી

યુરોપમાં ઇમિગ્રેશન
    • લેેખક, માર્ક લોવેન
    • પદ, બીબીસી ન્યૂઝના રોમ ખાતેના સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, ઈટલી અને ફ્રાન્સ વચ્ચેની સરહદ પરથી
  • પ્રકાશિત

ઇટાલિયન આલ્પ્લસના એક ખૂણામાં સુદાની અને અફઘાન લોકોની લાંબી કતાર લાગેલી છે. તેઓ સ્વાતંત્ર્યના પ્રવાસની આશામાં મજબૂત સ્નીકર્સના બદલામાં હાઈકિંગ બૂટ અને ફ્લિપ-ફ્લોપ્સની આપ-લે કરી રહ્યા છે.

આશરે 150 લોકો નયનરમ્ય નગર ઓલુક્સ ખાતેના કામચલાઉ કૅમ્પમાં આવી પહોંચ્યા છે. કૅમ્પનું સંચાલન સ્થાનિક સ્વયંસેવકો કરી રહ્યા છે. તેઓ સ્થળાંતરકર્તાઓને, દાનમાં મળેલા કોટ આપે છે, જેથી તેમની મુશ્કેલીભર્યા આગામી પ્રવાસમાં પર્વતીય તાપમાન સામે ટકી રહેવામાં મદદ મળે.

તેનું કારણ એ છે કે સમગ્ર આફ્રિકા અને મધ્ય પૂર્વમાંથી ઇટાલી પહોંચ્યા પછી પણ પુરુષોનું આ જૂથ (જેમાં મોટા ભાગના યુવાનો છે) ફ્રાંસ અને તેની આગળ જવા ઈચ્છે છે. દક્ષિણ ઇટાલીના લેમ્પેડુસા ટાપુ પર બોટ મારફત આ વર્ષે 1,30,000થી વધુ માઇગ્રન્ટ્સ પ્રવેશ્યા છે. આ સંખ્યા 2021ના સમાન સમયગાળાની સંખ્યા કરતાં લગભગ બમણી છે.

ફ્રાંસની ઉત્તર તરફ જતા લોકોની સંખ્યા આ વર્ષે બમણી થઈ ગઈ છે, પરંતુ ફ્રાંસના અધિકારીઓ દસ્તાવેજ વિનાના લોકોને અટકાયતમાં લઈને પાછા મોકલી રહ્યા છે. ઇટાલી સાથેની પોતાની સીમા પર તેમણે તપાસ ફરી શરૂ કરી છે અને શેંગેન ફ્રી મૂવમૅન્ટ કરારના કેટલાક હિસ્સાને સસ્પેન્ડ કર્યો છે.

યુરોપના ન્યાયાલયે તાજેતરમાં એવો ચૂકાદો આપ્યો હતો કે લોકોને પાછા મોકલવા તે યુરોપિયન સંઘના કાયદાનું ઉલ્લંઘન છે અને અટકાયતમાં લેવાયેલા માઈગ્રન્ટ્સને પાછા મોકલવાનું પગલું સત્તાવાર નિર્ણયને આધિન હોવું જોઈએ. માઈગ્રન્ટ્સને બળજબરીથી પાછા મોકલવાનો નિર્ણય “છેલ્લો ઉપાય” હોવો જોઈએ.

‘સપનાં સાકાર કરવાં’ ખેડે છે જોખમી સફર

માઇગ્રન્ટ પહાડ પાર કરવા તે માટેનાં જરૂરી સાધનો અને કપડાં વગર જ પહોંચી જાય છે
ઇમેજ કૅપ્શન, માઇગ્રન્ટ પહાડ પાર કરવા તે માટેનાં જરૂરી સાધનો અને કપડાં વગર જ પહોંચી જાય છે

ફ્રાંસ સુધીનો પ્રવાસ કરવા ઈચ્છતા લોકો પૈકીના એક નાઈજીરિયાના ઓમર છે. ભૂમધ્ય સમુદ્રમાં લેમ્પેડુસા સુધીની ખતરનાક મુસાફરી કરવા માટે દાણચોરોને 800 ડૉલર જેટલાં નાણાં ચૂકવ્યા પહેલાં તેમણે લીબિયામાં અનેક મહિના પસાર કર્યા હતા.

એ પછી ઓમરને ઇટાલીના અન્ય વિસ્તારમાંના બે માઈગ્રન્ટ્સ કૅમ્પ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હવે તેમનું લક્ષ્ય બ્રિટન પહોંચવાનું છે. દરિયાઈ પ્રવાસ દરમિયાન તેમના પગમાં ઈજા થઈ હતી. તેના પર પાટો બાંધેલો છે. ઓમર કહે છે, “મારે ત્યાં પહોંચીને અભ્યાસ કરવો છે અને સારું જીવન જીવવું છે.”

હું તેને પૂછું છું કે ફ્રાન્સ અથવા બ્રિટનમાં આશ્રય આપવાના ઇનકાર પછી સ્વદેશ પાછા મોકલવામાં આવેલા, આર્થિક કારણોસર સ્થળાંતર કરતા લોકોની કથાઓ તમે સાંભળી છે, તેના ફોટોગ્રાફ્સ જોયા છે?

મારી હાલત પણ સમાન છે અને હું ફરીથી પ્રયાસ કરીશ, એમ જણાવતાં ઓમર ઉમેરે છે, “હું નાઈજીરિયા પાછો ફરીશ તો મારાં માતા-પિતા બહુ દુઃખી થશે, કારણ કે તેમનાં સપનાં સાકાર નહીં થાય.”

કેટલાકને વહેલી નિષ્ફળતા મળે છે. સરહદ પાર કરતાં પહેલાં પકડી પાડવામાં આવેલા ઈજિપ્તના સ્થળાંતરકર્તાઓને પાછા કામચલાઉ કૅમ્પમાં લઈ જતી કાર અમારી સામેથી પસાર થાય છે.

શું ઇટાલિયન પોલીસ કરી રહી છે આંખ આડા કાન?

એલિના જેવા લોકો માઇગ્રન્ટને ફ્રાન્સ પાર કરવામાં મદદ કરે છે
ઇમેજ કૅપ્શન, એલિના જેવા લોકો માઇગ્રન્ટને ફ્રાન્સ પાર કરવામાં મદદ કરે છે

સરહદ આ બાજુ બહુ ઓછી ચોકીઓ છે અને એલીના નામનાં એક સ્વયંસેવિકા જણાવે છે કે તેણે ચોકી પર બે મહિનામાં બે કે ત્રણ ગાર્ડ્ઝને જ જોયા છે.

સવાલ એ થાય કે ઇટાલિયન પોલીસ આંખ આડા કાન કરી રહી છે?

એલીના કહે છે, “અહીં અમે શું કરી રહ્યાં છીએ એ તેઓ બરાબર જાણે છે. આ લોકો અહીં શા માટે આવે છે તે પણ તેઓ જાણે છે. જાણે કોઈ રમત ચાલતી હોય તેવું લાગે છે, પરંતુ તેઓ કશું ન જાણતા હોવાનો ડોળ કરે છે.”

મેં તેને કહ્યું કે કેટલાક લોકો ગેરકાયદે પ્રવાસને પ્રોત્સાહિત કરવાના તેના કામ બાબતે વિચાર કરશે. ઇટાલીમાંના સ્થળાંતરકર્તાઓને મદદ કરતા સ્વૈચ્છિક સંગઠનોને આર્થિક સહાય આપવા બદલ, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગયા સપ્તાહે જર્મન સરકારની ઝાટકણી કાઢી હતી અને તેને 'પ્રોત્સાહક કૃત્ય' ગણાવ્યું હતું.

એલીના કહે છે, “મને કોઈ ફરક પડતો નથી. મદદની જરૂર હોય એવી કોઈ વ્યક્તિને તમે જુઓ અને તમે પહાડમાં પ્રવાસના જોખમને જાણતા હો તો એવા લોકોને મદદ નહીં કરો? આ તો આખા યુરોપની જવાબદારી છે.”

જંગલ, પહાડ અને તાપમાનમાં તીવ્ર ફેરફારનો સામનો કરવા મજબૂર

પહાડ પાર કરીને મુસાફરી કરવાની કોશિશમાં કેટલાક માઇગ્રન્ટોએ જીવ પણ ગુમાવ્યો છે
ઇમેજ કૅપ્શન, પહાડ પાર કરીને મુસાફરી કરવાની કોશિશમાં કેટલાક માઇગ્રન્ટોએ જીવ પણ ગુમાવ્યો છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્લેવિએર શહેર સુધી નાનો બસપ્રવાસ કર્યા પછી પ્રવાસીઓ સરહદ પર પહોંચે છે, પરંતુ પોલીસના ડરને કારણે તેઓ સત્તાવાર સરહદ સુધી જતા માર્ગનો ઉપયોગ કરતા નથી.

તેને બદલે તેઓ જંગલમાં ઘૂસીને છુપાઈ જાય છે અને પોલીસની નજરથી દૂર રહીને પર્વત પાર કરવાની રાહ જુએ છે. એ વિસ્તારમાં ધૂમ્મસ છવાયેલું હોય છે અને તાપમાન ઝડપભેર ઘટે છે. આ ખતરનાક ખડકાળ પ્રદેશની યાત્રામાં ઘણા લોકો અગાઉ જીવ ગુમાવી ચૂક્યા છે.

અન્ય લોકો વૈકલ્પિક માર્ગ પસંદ કરે છે. તેમાં નાઇસ નજીકના દરિયાકાંઠાના ઇટાલિયન શહેર વેન્ટિમિગ્લિયામાં દક્ષિણ દિશામાં ચાર કલાકનો પ્રવાસ કરવો પડે છે.

અહીં સ્થળાંતરકર્યાઓ સ્ટેશન પર ધામા નાખે છે અને ક્રોસ બૉર્ડર ટ્રેનમાં પોતાનું નસીબ અજમાવી શકે છે, પરંતુ ફ્રાન્સનાં નિયંત્રણો આકરાં છે. ફ્રેન્ચ પોલીસ ઇટાલીથી આવતી તમામ ટ્રેનોને રોકે છે. મુસાફરો પાસે ઓળખના દસ્તાવેજો માગે છે અને બાથરૂમની તલાશી પણ લે છે.

એક વૅગનમાંથી પકડી પાડવામાં આવેલા જરૂરી દસ્તાવેજોવિહોણા મુઠ્ઠીભર આફ્રિકનોને ઇટાલી પાછા મોકલવા માટે લઈ જવામાં આવે છે. ત્યાંથી તેઓ ફરી આવવાના પ્રયાસ નિશ્ચિત રીતે કરશે.

માઇગ્રન્ટ્સના આગમનમાં ઝડપી વધારાને કારણે ફાર-રાઈટ લીગ પાર્ટીના નેતા અને વેન્ટિમિગ્લિયાના મેયર ફ્લાવિયો ડી મુરો રોષે ભરાયા છે. તેઓ સરહદ પરના 'શેંગેન ફ્રી મૂવમેન્ટ ઝોન'ને સ્થગિત કરવાના ફ્રાન્સના નિર્ણયની ટીકા કરે છે. તેમાં લોકોની ચકાસણી કરવાની અને તેમને પાછા મોકલવાની વ્યવસ્થા છે.

તેઓ કહે છે, “યુરોપિયન સંઘ બરાબર કામ કરતો નથી. દરેક દેશે પોતાની ઈમિગ્રેશન મર્યાદા નક્કી કરી છે અને માત્ર ઇટાલીએ જ બધો બોજ ઉઠાવવો પડે છે. મેં કબ્રસ્તાનમાં પણ સશસ્ત્ર સલામતી રક્ષકો ગોઠવ્યા છે, કારણ કે ઈમિગ્રન્ટ્સ ત્યાં થૂંકવા, પેશાબ કરવા જાય છે અને શૌચાલયોને તોડી પાડે છે.”

તેઓ ઉમેરે છે, “અમે અમારી મર્યાદા પર પહોંચી ગયા છીએ. અમે ઉત્તરનું લેમ્પેડુસા બની જઈશું.”

આલ્પ્સની સીમા પર ક્લાવિયરમાં પાનખરની પ્રગતિ સાથે તાપમાન ઝડપથી ઘટે છે. સ્થળાંતરકર્તાઓના જૂથો રાતના સમયે ચર્ચના આશ્રયસ્થાનમાં એકઠા થાય છે. ચૂપચાપ પર્વત પસાર કરવાના પ્રયાસ પહેલાં તેઓ ત્યાં તાપણાં કરે છે.

રેડ ક્રોસના કાર્યકરો ખોરાક અને પાણીનું વિતરણ કરવા આવે છે અને હિમડંખનો ભોગ બનવાને કારણે કેટલાક સ્થળાંતરકર્તાઓની 'આંગળીઓ કાપી નાખવી પડી હતી,' તેની વાત કરે છે.

આલ્પ્સના જંગલો અને વેન્ટિમિગ્લિયા વચ્ચેની રેલ્વેમાં, યુરોપમાં એક નવી અડચણ સર્જાઈ રહી છે. યુરોપ ખંડના નેતાઓ શું કરી રહ્યા છે તેને ધ્યાનમાં લીધા વિના ભયાવહ નિશ્ચયને અંકુશમાં લેવાનું અશક્ય સાબિત થઈ રહ્યું છે.

રેડ લાઇન
રેડ લાઇન