તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
સ્પેનમાં બે ટ્રેનો અથડાઈ, 30 લોકોનાં મોતના અહેવાલ, અત્યાર સુધી શું માહિતી સામે આવી છે – ન્યૂઝ અપડેટ
સ્પેનની રાજધાની મેડ્રિડના દક્ષિણમાં આવેલા મોરા અને ઓર્ગાઝ નગરપાલિકા વિસ્તારો વચ્ચે સ્થાનિક સમય અનુસાર સવારે નવ વાગ્યે બે હાઈ-સ્પીડ ટ્રેનો અથડાઈ ગઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે.
બીબીસી સંવાદદાતા ગાય હેજકો અનુસાર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈજાગ્રસ્તોની વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે. કેટલાક અહેવાલો અનુસાર મૃતકોની સંખ્યા 30 છે.
સમાચાર સંસ્થા એએફપી અને રૉઇટર્સની સાથે-સાથે સ્થાનિક મીડિયા સંસ્થાન એલ પાઇસે પણ મૃતકોની સંખ્યા 30 ગણાવી છે.
આ દરમિયાન, ઘટનાસ્થળ પર રાહત અને બચાવ દળોનું અભિયાન ચાલી રહ્યું છે. રાહત ટીમો લોકોને બચાવવામાં લાગી છે. કાટમાળમાંથી મૃતદેહોને કાઢવાનું કામ પણ ચાલી રહ્યું છે.
સ્પેનના વડા પ્રધાન પેદ્રો સાન્ચેઝે કહ્યું છે કે તેઓ ટોલેડોમાં થયેલા "ભયાનક રેલ અકસ્માતથી સ્તબ્ધ" છે.
સાન્ચેઝે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે તેઓ પરિવહન મંત્રી અને કાસ્ટિયા-લા માંચા ક્ષેત્રના પ્રમુખ સાથે સતત સંપર્કમાં છે.
તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને મદદ મળી રહે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે માટે ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. આ કાર્યમાં સંબંધિત તમામ વહીવટી એજન્સીઓ મળીને કામ કરી રહી છે. સાન્ચેઝે કહ્યું હતું, "તમામ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના, એકતા અને સમર્થન છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાન્ચેઝ અને સ્પેનના અન્ય નેતાઓએ બુધવારના પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ કરી દીધા છે. તેમાં આગામી મહિને યોજાનારી સંસદીય ચૂંટણી માટેના પ્રચાર અભિયાનનો પણ સમાવેશ થાય છે.
અત્યાર સુધી આ ઘટનાને લઈને સામે આવેલી માહિતી:
- કાસ્ટિયા-લા માંચા પ્રાદેશિક સરકારની પ્રવક્તા એસ્તેર પડિયાએ સ્થાનિક ટેલિવિઝનને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે.
- પડિયાએ કાસ્ટિયા-લા માંચા મીડિયાને કહ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
- રેલ સંચાલક એડિફના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રેલ કંપની રેનેફેની એક ટ્રેન અને ઇર્યો કંપનીની બીજી ટ્રેન વચ્ચે થયો હતો. ઇર્યો મેડ્રિડ અને સેવિયા વચ્ચે ટ્રેન સેવા ચલાવે છે.
- એડિફે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું હતું કે આ રેલમાર્ગ પર દોડતી તમામ ટ્રેનોને માર્ગમાં આવતા સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે.
ઇઝરાયલ ચૂંટણી : ટ્રમ્પ બોલ્યા, 'મારા સમર્થને નેતન્યાહૂની ચૂંટણીનું સમીકરણ બદલી નાખ્યું'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇર્વિંગ શ્વાર્ટ્ઝની એક પોસ્ટ શૅર કરી છે, જેમાં બેન્જામિન નેતન્યાહૂની ચૂંટણીમાં બદલાયેલી સ્થિતિનો શ્રેય ટ્રમ્પના સમર્થનને આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પએ લખ્યું, "જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીબી નેતન્યાહૂનું સમર્થન કર્યું, ત્યારે સમગ્ર બાજી જ પલટી ગઈ. હવે એક મહાન વડા પ્રધાન માટે નિશ્ચિત પરાજય દેખાતો હતો, પરંતુ સ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે કઠિન સ્પર્ધા, જબરદસ્ત વાપસી અથવા તો નેતન્યાહૂની જીતની શક્યતા દેખાઈ રહી છે."
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલની સામાન્ય ચૂંટણી માટે મંગળવારે મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી 77.7 ટકા મતદાન નોંધાયું હતું.
કેન્દ્રીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1999 પછી આ તબક્કે નોંધાયેલું આ સૌથી ઊંચું મતદાન પ્રમાણ છે.
બે એક્ઝિટ પોલમાં ગાડી આઇઝેનકોટના ગઠબંધનને બિન્યામિન નેતન્યાહૂના ગઠબંધનને ટક્કર આપતું દર્શાવવામાં આવ્યું હતું.
જોકે, ત્રીજા એક્ઝિટ પોલમાં નેતન્યાહૂની પાર્ટીને હળવી સરસાઈ મળતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
હાલનાં વલણો પરથી સંકેત મળી રહ્યા છે કે, નેતન્યાહૂની પાર્ટી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે.
'તાતા ગ્રૂપને બરબાદ કરવામાં આવી રહ્યું છે', રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો
કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાતા ગ્રૂપમાં ચાલી રહેલા વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ શૅર કરીને આરોપ લગાવ્યો, "તાતા ગ્રૂપને ગુનાઈત પ્રકારે બરબાદ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એક શબ્દ બોલવાની હિંમત કરી શકતો નથી."
તેમણે વધુમાં લખ્યું, "તમે કેટલો સમય મૌન રહેશો? શું ત્યાં સુધી, જ્યાં સુધી તેઓ તમારા પર કબજો ન કરી લે? ભારતીય ઉદ્યોગજગત મોદી અને શાહનું 'રમકડું' નથી."
રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓને સંબોધતા કહ્યું, "તમારામાં હિંમતનો અભાવ હોઈ શકે છે, પરંતુ અમારામાં નથી. અમે આ કથિત અન્યાય અને ગુનાઓ સામે ન્યાય અપાવીને જ રહીશું."
એનસીપી (શરદ પવાર જૂથ)ના રાષ્ટ્રીય પ્રવક્તા અનીશ ગવાંડેએ પણ રાહુલ ગાંધીની ટિપ્પણી શૅર કરતાં ઍક્સ પર લખ્યું, "અમારા પક્ષના પ્રમુખ શરદ પવારે આ અંગે પહેલેથી જ ચેતવણી આપી હતી. તાતાને બરબાદ કરવાથી આવી સંસ્થાઓના અસ્તિત્વ પર જોખમ ઊભું થશે. શું આ જ તે નવું ભારત છે, જેને આપણે પોતાની આંખો સામે રચાતું જોવા માંગીએ છીએ?"
હકીકતમાં, તાતા સન્સના ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે.
તાતા ટ્રસ્ટ્સના ચૅરમૅન નોએલ તાતાએ બોર્ડ બેઠકમાં પસાર કરાયેલા તે પ્રસ્તાવને "ગેરકાયદેસર" ગણાવ્યો છે, જેના આધારે એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ કરવામાં આવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાહુલ ગાંધીની આ ટિપ્પણી તાતા ગ્રૂપમાં તાતા સન્સના નેતૃત્વને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આવી છે. આ વિવાદને કારણે ટ્રસ્ટીઓ વચ્ચે મતભેદો સામે આવ્યા છે અને મામલો તાતા સન્સના બોર્ડરૂમ સુધી પહોંચી ગયો છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં નોએલ તાતાએ એન. ચંદ્રશેખરનને ફરીથી તાતા સન્સના ચૅરમૅન તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને પડકાર્યો હતો.
આ પ્રસ્તાવને 17 સપ્ટેમ્બરે યોજાયેલી તાતા સન્સની બોર્ડ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. તાતા ગ્રૂપને દેશનાં સૌથી મોટા અને પ્રભાવશાળી ઉદ્યોગ ગ્રૂપો પૈકીનું એક માનવામાં આવે છે.
અભિજિત દીપકેએ આરોપ લગાવ્યો, 'સરકાર દરરોજ હજારો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ હટાવી રહી છે'
કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પર સેન્સરશિપ લાગુ કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ઇન્સ્ટાગ્રામ પર કાર્યવાહીથી કોઈ ફાયદો થવાનો નથી. સરકાર દરરોજ હજારો પોસ્ટ્સ અને એકાઉન્ટ્સ હટાવી રહી છે, પરંતુ એવું લાગે છે કે તે એક મૂળભૂત વાત સમજવામાં નિષ્ફળ રહી છે."
તેમણે આગળ લખ્યું, "ઇન્સ્ટાગ્રામ માત્ર એક માધ્યમ છે, જ્યાં લોકો પોતાના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ પ્રશ્નોનાં મૂળ કારણો સોશિયલ મીડિયાથી ઘણાં આગળ સુધી ફેલાયેલાં છે. એકાઉન્ટ્સ હટાવવાથી એ કારણો સમાપ્ત થઈ જવાનાં નથી."
અભિજીત દીપકેએ વધુમાં જણાવ્યું, "ઉલટાનું, આ પ્રકારની સેન્સરશિપથી તે લોકોનો સરકાર પરનો વિશ્વાસ વધુ ઓછો થઈ શકે છે, જેઓના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી સરકારની છે."
તેમણે એવો દાવો કર્યો કે પોસ્ટ્સ અને એકાઉન્ટ્સ દૂર કરવાની કાર્યવાહીથી અસંતોષના મૂળ મુદ્દાઓનો ઉકેલ આવતો નથી, પરંતુ લોકોમાં અવિશ્વાસની લાગણી વધુ મજબૂત બની શકે છે.
જિયો પ્લૅટફૉર્મ્સનો શૅર કેટલા ભાવે લિસ્ટ થયો?
બ્લૉકબસ્ટર IPO બાદ આજે જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડે શૅરબજારમાં સત્તાવાર પ્રવેશ કર્યો.
નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જ (NSE) પર જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડનો શૅર ₹1,358 પ્રતિ શૅરના ભાવે લિસ્ટ થયો.
આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં નૉન-ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે તેમના પિતા મુકેશ અંબાણીએ 1977માં રિલાયન્સના પ્રથમ જાહેર ઇશ્યૂ પર કામ કર્યું હતું.
ઈશા અંબાણીએ કહ્યું, "રિલાયન્સને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો નિર્ણય મારા દાદા ધીરુભાઈ અંબાણીનો હતો. તે સમયે કંપનીએ આશરે ₹10 કરોડના મૂલ્યાંકન પર ₹2.82 કરોડની મૂડી એકત્ર કરી હતી."
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણી તેમજ NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ ચૌહાણ જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડના શૅરબજારમાં લિસ્ટિંગ પ્રસંગે યોજાયેલા બેલ-રિંગિંગ સમારોહમાં હાજર રહ્યાં હતાં.
મેલાનિયા ટ્રમ્પે કહ્યું - યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામ શરૂ
અમેરિકાનાં પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પએ ટ્વીટ કરીને જણાવ્યું, "યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામ 27 ઑક્ટોબર, 2026ના રોજ મૉસ્કોના સમય અનુસાર સવારે 4 વાગ્યાથી અમલમાં આવ્યો છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જરૂરી માનવીય સહાય પહોંચાડવામાં મદદરૂપ થવા માટે તેને નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલાં અમલમાં મૂકવામાં આવ્યો છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, યુદ્ધવિરામનો ભૌગોલિક વિસ્તાર ખેરસૉન પ્રદેશના ઓલેશ્કીથી આગળ સુધી વિસ્તૃત કરવામાં આવ્યો છે, જેથી માનવીય સહાય પહોંચાડતા કાફલાઓને સુરક્ષિત માર્ગ મળી શકે.
રશિયન સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના પ્રમુખ જનરલ વાલેરી ગેરાસિમોવએ પણ તેની પુષ્ટિ કરી હોવાનું જણાવાયું છે.
તેમણે કહ્યું, "ઓલેશ્કીમાં યુદ્ધવિરામ લાગુ છે. કરારનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે."
27 ઑક્ટોબરે સાંજે 5:30 વાગ્યા સુધી યુક્રેન અને રશિયા માનવીય મિશન સાથે સંબંધિત નિર્ધારિત વિસ્તારોમાં યુદ્ધવિરામ કરારનું પાલન કરી રહ્યા છે.
આ યુદ્ધવિરામ કીએવના સમય અનુસાર સવારે 3 વાગ્યે અને મૉસ્કોના સમય અનુસાર સવારે 4 વાગ્યે અમલમાં આવ્યો હતો. તે 1 નવેમ્બરે રાત્રે 10:59 વાગ્યા સુધી અસરકારક રહેશે.
બંનેમાંથી કોઈપણ પક્ષ દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો અત્યાર સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
બ્રાઝિલની સામાન્ય ચૂંટણીમાં હાર બાદ બોલ્સોનારો અમેરિકા પહોંચ્યા, લુલાએ 'શરમજનક' ગણાવ્યું
રવિવારે બ્રાઝિલની રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ, ફ્લાવિયો બોલ્સોનારો બ્રાઝિલ છોડીને અમેરિકાના ફ્લૉરિડા પહોંચ્યા હતા.
અમેરિકાના વિદેશ મંત્રાલયે બીબીસીને જણાવ્યું છે કે તે બોલ્સોનારો અને તેમના પરિવારને વિઝા આપશે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ બોલ્સોનારોના દેશ છોડીને જવાને 'શરમજનક' ગણાવ્યું છે.
બ્રાઝિલની પોલીસનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં દસ્તાવેજો સબમિટ ન કરવા બદલ બોલ્સોનારોનો પાસપૉર્ટ રદ કરવામાં આવ્યો છે.
લુલાએ કહ્યું કે જ્યારે તેમને પાસપૉર્ટ જમા કરાવવા કહ્યું હતું ત્યારે તેમણે આવું કર્યું હતું. ભ્રષ્ટાચારના આરોપો સામેની તેમની અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ કોર્ટે જ્યારે પાસપૉર્ટ જમા કરાવવાનું કહ્યું હતું.
2018માં, તેમણે લાંચના કેસ પર કાનૂની લડાઈનો પણ સામનો કરવો પડ્યો હતો.
લુલાએ કહ્યું કે બોલ્સોનારોએ પણ આવું જ કરવું જોઈતું હતું. તેમણે કહ્યું "બ્રાઝિલ તેમનું બીજું વતન છે, તેમનું પહેલું વતન અમેરિકાની ચાપલૂસી કરવાનું છે."
એ જ ભાષણમાં, લુલાએ એમ પણ કહ્યું, "જેમની પાસે છુપાવવા માટે કંઈ નથી, તેમને ડરવાની પણ કોઈ જરૂર હોતી નથી."
બોલ્સોનારો કથિત ભ્રષ્ટાચાર અને મનીલૉન્ડરિંગની તપાસનો સામનો કરી રહ્યા છે, જે આરોપોને તેઓ નકારે છે.
જમણેરી ઉમેદવાર બોલ્સોનારોને ચૂંટણીમાં ડાબેરી નેતા લુલાના હાથે હારનો સામનો કરવો પડ્યો.
ઇઝરાયલમાં રેકૉર્ડ મતદાન વચ્ચે, એક્ઝિટ પોલ્સ નેતન્યાહૂની પાર્ટી વિશે શું સૂચવે છે?
ઇઝરાયલની સામાન્ય ચૂંટણી માટે 77.7% મતદાન થયું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1999 પછી આ અત્યાર સુધી નોંધાયેલ સૌથી વધુ મતદાન ટકાવારી છે.
બે એક્ઝિટ પોલમાં, ગાદી આઇઝેનકોટનું ગઠબંધન બેન્જામિન નેતન્યાહૂના ગઠબંધનને કાંટાની ટક્કર આપી રહ્યું હોય તેવું લાગે છે.
ત્રીજા એક્ઝિટ પોલમાં, વડા પ્રધાન નેતન્યાહૂના કૅમ્પમાં થોડી લીડ છે, જોકે કોઈપણ પક્ષ બહુમતી સુધી પહોંચવાના માર્ગ પર દેખાતો નથી.
આઇઝેનકોટ નવી રચાયેલી યાશર પાર્ટીનું નેતૃત્વ કરે છે અને તેમને 'ચેન્જ બ્લૉક'નો અગ્રણી ચહેરો માનવામાં આવે છે.
આ વિપક્ષી દળોનું એક જૂથ છે, જેમનો ધ્યેય નેતન્યાહૂને સત્તા પરથી દૂર કરવાનો છે.
એક્ઝિટ પોલ મુજબ, નેતન્યાહૂની લિકુડ પાર્ટી ઇઝરાયલી સંસદમાં સૌથી મોટી પાર્ટી બની શકે છે.
ઇઝરાયલની સંસદ, નેસેટની તમામ 120 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. જોકે, કોઈપણ પક્ષે ક્યારેય પોતાના દમ પર બહુમતી મેળવી નથી. ભૂતકાળમાં, સરકારો ગઠબંધન દ્વારા સત્તામાં આવી છે.
ઇઝરાયલના એક અગ્રણી રાજકીય વિવેચકે કહ્યું છે કે એક્ઝિટ પોલમાં નેતન્યાહૂનો પક્ષ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવવો એ તેમના માટે 'બેનામી સાંત્વના પુરસ્કાર' જેવું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન