દક્ષિણ કોરિયામાં મોટી ઊથલપાથલ : રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની તૈયારી

દક્ષિણ કોરિયા
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે એક આશ્ચર્યજનક પગલામાં દેશમાં માર્શલ લૉ લાગુ કરવાનો પ્રયાસ કરતા હલચલ મચી ગઈ છે.

દક્ષિણ કોરિયાના સાંસદોએ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે "ઉત્તર કોરિયાનાં સામ્યવાદી દળો સામે દેશનું રક્ષણ કરવા" અને "દેશ વિરોધી તત્ત્વોને ખતમ કરવા" માટે માર્શલ લૉ લાગુ કરવો જરૂરી હતો.

રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયા તરફથી ખતરાનું કારણ આપ્યું, પરંતુ હકીકતમાં તેમણે સ્થાનિક દબાણ અને શ્રેણીબદ્ધ કૌભાંડોના કારણે પેદા થયેલી સ્થિતિના કારણે માર્શલ લૉ લાગુ કર્યો એવું માનવામાં આવે છે.

માર્શલ લૉની જાહેરાત થયાના બે કલાક કરતા ઓછા સમયમાં સાંસદો નૅશનલ ઍસૅમ્બલીમાં ઘૂસી ગયા હતા અને રાષ્ટ્રપતિના નિર્ણયને અટકાવવા માટે મતદાન કર્યું હતું. કેટલાક સાંસદો બેરિકેડ પાર કરીને અંદર આવી ગયા હતા.

ઍસૅમ્બલીમાં મતદાન પછી રાષ્ટ્રપતિ યૂને જાહેરાત કરી કે તેમણે માર્શલ લૉનો નિર્ણય પાછો ખેંચ્યો છે. હવે આગામી દિવસોમાં સાંસદો તેમની સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી શરૂ કરવા માટે વોટ કરશે.

દરમિયાન યૂનના સંરક્ષણમંત્રી કિમયોંગ-હાયુને બુધવારે પોતાના રાજીનામાની ઑફર કરી છે. રાષ્ટ્રપતિની માર્શલ લૉ યોજનામાં કિમ યોંગનો ઘણો પ્રભાવ હતો તેમ માનવામાં આવે છે. અન્ય વરિષ્ઠ મંત્રીઓએ પણ પદત્યાગ કરવાની ઑફર કરી છે. જોકે, રાજીનામાનો સ્વીકાર માત્ર રાષ્ટ્રપતિ કરી શકે છે.

કેજરીવાલે કહ્યું- દિલ્હીની વીજકંપનીઓને અદાણીને સોંપવાનું દબાણ કરાયું હતું

અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું છે કે તેઓ જ્યારે રાજ્યના મુખ્ય મંત્રી હતા ત્યારે દિલ્હીની વીજકંપનીઓ અદાણી જૂથને સોંપી દેવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું કે, "2021માં અદાણી જૂથ 2 રૂપિયા 83 પૈસા પ્રતિ યુનિટના ભાવે વીજળી આપતું હતું. વર્ષ 2022માં રેટ વધારીને 8 રૂપિયા 83 કરી નાખ્યો. એક વર્ષમાં વીજદરમાં ચાર ગણો ભાવવધારો કરી નાખ્યો. આવું એટલા માટે કર્યું કે ભાજપ સરકાર તેની સાથે ભળેલી છે."

“આજે હું ગૃહમાં સંપૂર્ણ જવાબદારી સાથે જણાવવા માગું છું કે હું મુખ્ય મંત્રી હતો ત્યારે મારા પર દબાણ હતું કે દિલ્હીની વીજકંપનીઓને અદાણીને સોંપી દો."

કેજરીવાલે કહ્યું, “મેં દિલ્હીની વીજકંપનીઓ અદાણીને સોંપી દીધી હોત તો તમે (દિલ્હીના લોકો) વીજળીનો વપરાશ કરવાને લાયક રહ્યા ન હોત. દિલ્હીની વીજળી એટલી મોંઘી થઈ ગઈ હોત કે દિલ્હી સરકાર સબસિડી આપી ન શકત અને તમે પણ તમારી કમાણીમાંથી વીજળીનું બિલ ભરી શક્યા ન હોત."

“મેં ઇનકાર કરી દીધો કે હું અદાણી જૂથને વીજ કંપનીઓ નહીં આપું. મને આ કારણથી તો જેલ નહોતો મોકલાયો. ભાજપને મારો પડકાર છે કે ભાજપ ચૂંટણી પહેલા જાહેર કરે કે જો તેની સરકાર બનશે તો દિલ્હીની વીજકંપનીઓ અદાણીને સત્તા નહીં આપે."

કેજરીવાલે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે તાજેતરમાં અમેરિકામાં એક છેતરપિંડીના કેસમાં ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત આઠ લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા છે.

દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, મુખ્ય મંત્રી તરીકે શપથ ક્યારે લેશે?

દેવેન્દ્ર ફડણવીસ, ભાજપ, મહારાષ્ટ્ર, બીબીસી ગુજરાતી

દેવેન્દ્ર ફડણવીસને ભાજપ ધારાસભ્યદળના નેતા તરીકે ચૂંટી લેવાયા છે. ભાજપની આગેવાનીવાળા મહાયુતિ ગઠબંધને ગત મહિને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો હતો.

દેવેન્દ્ર ફડનવીસ મહારાષ્ટ્રના 31મા મુખ્ય મંત્રી તરીકે ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે શપથ લેશે.

ભાજપ વિધાનસભા દળના નેતા તરીકે ચૂંટાયા પછી દેવેન્દ્ર ફડનવીસ શિવસેનાના વડા એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ અજિત પવારની સાથે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

ત્યાર પછી દેવેન્દ્ર ફડનવીસ, અજિત પવાર અને એકનાથ શિંદેએ એક સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.

ફડનવીસે નેતૃત્વનો આભાર માનતા કહ્યું કે અમે મહારાષ્ટ્રને એક સારી સરકાર આપીશું.

દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું કે આવતી કાલે સાંજે સાડા પાંચ વાગ્યે થનારી શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે. મુંબઈના આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહ યોજાશે.

તેમણે કહ્યું કે શપથવિધિમાં ત્રણેય નેતાઓ - ફડનવીસ, શિંદે અને અજિત પવાર હાજર રહેશે.

તેમણે કહ્યું કે, "છેલ્લા અઢી વર્ષમાં અમે ત્રણેયે સાથે મળીને નિર્ણયો લીધા છે. આજે પણ આ પદ અમારા માટે માત્ર એક ટેકનિકલ પદ છે."

ભાજપ ધારાસભ્યદળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી નેતા ચૂંટી લેવાયા હતા. ભાજપે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ઑબ્ઝર્વર તરીકે મહારાષ્ટ્ર મોકલ્યાં હતાં.

ચંદ્રકાંત પાટીલે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને સુધીર મુંગટીવાર, પંકજા મુંડે અને અન્ય નેતાઓએ સમર્થન આપ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદ માટે એકનાથ શિંદેનું નામ પણ ચર્ચામાં હતું. એકનાથ શિંદેના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય મંત્રી હતા. પરિણામ બાદ સરકાર રચવાની કોશિશ થઈ રહી હતી એ દરમિયાન એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપને 132, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. કુલ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરના રોજ મતગણતરી થઈ હતી.

સુખબીરસિંહ બાદલ પર ફાયરિંગની કોશિશ, પોલીસે જણાવ્યું હુમલાખોર કોણ છે

બીબીસી ગુજરાતી

શિરોમણિ અકાલીદળના અધ્યક્ષ અને પંજાબના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુખબીરસિંહ બાદલ પર સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પર ફાયરિંગની ઘટના બની છે.

બીબીસી પંજાબીના સંવાદદાતા રવિંદરસિંહ રૉબિન પ્રમાણે ગોળીબાર કરનાર વ્યક્તિ ભીડમાં સામેલ હતી.

ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં હુમલાખોર સુખબીરસિંહ બાદલની ખૂબ નજીક હોય એવું દેખાઈ રહ્યું છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હુમલાખોરે બંદૂક કાઢતાં જ સુરક્ષાકર્મી તેમની તરફ આગળ વધ્યા અને તેને રોકી લેવાયો. આ દરમિયાન ફાયરિંગનો અવાજ પણ સંભળાયો.

સમાચાર એજન્સીઓના વીડિયોમાં જોઈ શકાય છે કે સુખબીર બાદલ પગે ઈજા હોવાને કારણે વ્હીલચેર પર બેસીને દરબાર સાહેબની સેવામાં લાગેલા હતા.

સુખબીરસિંહ બાદલને સોમવારે અકાલ તખ્ત દ્વારા ધાર્મિક સજા કરવામાં આવી હતી.

સુખબીરસિંહ બાદલ, બીબીસી ગુજરાતી

બીબીસી સહયોગી રવિંદરસિંહ રૉબિન પ્રમાણે અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીતસિંહ ભુલ્લરે ફાયરિંગ થયાની વાતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે જ્યારે સુખબીરસિંહ બાદલ દરબાર સાહેબના ગેટ પર સેવારત હતા, ત્યારે તેમના પર હુમલો કરવાની કોશિશ કરાઈ હતી.

પોલીસ પ્રમાણે ગોળીબાર કરનારનું નામ નારાયણસિંહ ચૌડા છે. નારાયણસિંહ ખાલિસ્તાન આંદોલન દરમિયાન સક્રિય હતો.

નારાયણસિંહ કથિતપણે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને અકાલ ફેડરેશન સાથે જોડાયેલો છે.

નારાયણસિંહ ચૌડા "કૉન્સપિરસી અગેન્સ્ટ ખાલિસ્તાન" પુસ્તકના લેખક પણ છે.

દક્ષિણ કોરિયામાં માર્શલ લૉ લાગુ કરવાના નિર્ણયનો ભારે વિરોધ, રાષ્ટ્રપતિએ નિર્ણય પાછો ખેંચવો પડ્યો

દક્ષિણ કોરિયા, માર્શલ લૉ, બીબીસી ગુજરાતી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે માર્શલ લૉ લાગુ કરવાના નિર્ણયને નાટકીય ઢબે પાછો ખેંચી લીધો છે.

માર્શલ લૉ લાગુ થયાના કલાકો પછી જ ફાટી નીકળેલા જબરદસ્ત વિરોધને કારણે તેમણે પોતાનો આ નિર્ણય બદલવા મજબૂર થવું પડ્યું છે.

દક્ષિણ કોરિયામાં વિરોધપક્ષ સહિત તેમના પક્ષના નેતાઓએ પણ તેમને આ નિર્ણયમાં સાથ આપ્યો નથી.

નૅશનલ ઍસેમ્બ્લીમાં થયેલા મતદાનમાં કુલ 190 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી એટલે કે 190-0થી તેમણે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેના કારણે દબાણમાં આવેલા રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો છે.

દક્ષિણ કોરિયા, માર્શલ લૉ, બીબીસી ગુજરાતી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે કહ્યું હતું કે, “નૅશનલ ઍસેમ્બ્લીએ માર્શલ લૉ હઠાવવાની કરેલી માગ પછી લશ્કરી દળોને પાછાં બોલાવી લેવાયાં છે. હું નૅશનલ ઍસેમ્બ્લીની માગ સ્વીકારું છું અને કૅબિનેટ મિટિંગ થકી અમે તેને પાછો ખેંચી લઈશું.”

જોકે, તેમણે અચાનક લીધેલા આ નિર્ણય પછી તેમને પદ પરથી હઠી જવું પડે તેવા સંજોગો સર્જાયા છે.

વૉશિંગ્ટનથી બીબીસી સંવાદદાતા બર્ન્ડ ડેબુસમાન જુનિયરના અહેવાલ પ્રમાણે દક્ષિણ કોરિયાના 40થી વધુ ચૂંટાયેલા સભ્યો નૅશનલ ઍસેમ્બ્લીમાં તેમની સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા તૈયાર થયા છે.

દેશની સંસદ પાસે એકઠા થઈને દક્ષિણ કોરિયાના લોકોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. માઇનસ એક ડિગ્રી તાપમાનમાં હજારો લોકો હવે આ નિર્ણય પછી યુન સુક-યોલના રાજીનામાની માગ કરી રહ્યા છે.

દક્ષિણ કોરિયાના ડિફેન્સ પાર્ટનર એવા અમેરિકાએ પણ કહ્યું હતું કે તેમને પણ આવા નિર્ણયની કોઈ જાણ ન હતી.

રાહુલ ગાંધી આજે સંભલ જશે, તેમને રોકવાનો આદેશ અપાયો

રાહુલ ગાંધી, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે સવારે ઉત્તર પ્રદેશના સંભલ જવાના છે.

તેમને રોકવા માટે સંભલના જિલ્લાધિકારીએ ચાર પાડોશી જિલ્લા ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધનગર, બુલંદશહર અને અમરોહાના વહીવટી તંત્રને પત્ર લખીને તેમને રોકવા માટે કહ્યું છે.

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર઼ સંભલના જિલ્લા મૅજિસ્ટ્રેટે ગૌતમ બુદ્ધનગર અને ગાઝિયાબાદના પોલીસ કમિશનરો તથા અમરોહા અને બુલંદશહરના પોલીસ અધીક્ષકોને પત્ર લખ્યો છે.

પત્રમાં લખ્યું છે કે, "ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ 29 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી સંભલમાં કોઈ પણ બહારની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે."

"આથી, રાહુલ ગાંધીની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવે અને તેમને સંભલ જવાના રસ્તે તમારા જિલ્લામાં જ રોકવાનો નિર્દેશ જાહેર કરવામાં આવે."

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશમાં પ્રવેશતા રોકવા માટે પોલીસ દરેક સંભવ પ્રયાસ કરશે.”

જાણકારી પ્રમાણે બુધવારે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી ગાઝીપુર બૉર્ડરથી સંભલ તરફ રવાના થશે.

સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે હિંસા થઈ હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનોને મળવા માટે ત્યાં જઈ રહ્યા છે.

ગુજરાતમાં મંગળવારે કુલ 40 હજાર પ્રી-સ્કૂલ બંધ રહી, સૂચક વિરોધપ્રદર્શન

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કુલ 40 હજાર પ્રી-સ્કૂલે એક દિવસનો બંધ પાળ્યો હતો. સ્કૂલોના રજિસ્ટ્રેશન તથા અન્ય નિયમોનો ઉકેલ લાવવામાં રાજ્ય સરકારની કથિત નિષ્ફળતાને કારણે તેમણે આ વિરોધ કર્યો હતો.

સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલ પ્રમાણે ઍસોસિયેશનનું કહેવું છે કે, “સરકારી નિયમો પ્રમાણે ફેબ્રુઆરી 2025 સુધીમાં તમામ પ્રી-સ્કૂલે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, પરંતુ જાહેર કરવામાં આવેલા નવા નિયમોમાં રહેલી શંકાઓનું હજી સુધી સરકારે સમાધાન કર્યું નથી, જેના કારણે આ પ્રક્રિયામાં મોડું થઈ રહ્યું છે.”

આ 40 હજાર શાળાઓમાં અંદાજે દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગુજરાત ઇન્ડિપેન્ડેન્ટ પ્રી-સ્કૂલ ઍસોસિયેશને રાજ્યનાં વિવિધ શહેરોમાં પ્રદર્શન કર્યું હતું અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાને આ અંગે પોતાની માગણીઓ સુપરત કરી હતી.

આ ઍસોસિયેશનની બિલ્ડિંગ પરમિશન અને તેના ઉપયોગ અંગેની પણ અન્ય માગ છે. તેમનું કહેવું છે કે અનેક પ્રી-સ્કૂલ નાના ધોરણે ચાલતી હોવાથી આ નિર્ણયો પર સ્પષ્ટીકરણ જરૂરી છે.

15 વર્ષની લીઝને બદલે 11 મહિનાના સામાન્ય ભાડાકરારની પણ પ્રી-સ્કૂલને અનુમતિ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.