ભારતીય સેનાએ કહ્યું કે 'કાશ્મીરમાં બે આતંકવાદી માર્યા ગયા' - ન્યૂઝ અપડેટ

ભારતીય જવાનો
ઇમેજ કૅપ્શન, ભારતીય જવાનો (પ્રતીકાત્મક તસવીર)
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

અલાહાબાદ ભારતીય સેનાની ચિનાર કોર શાખાએ ઍક્સ પોસ્ટમાં કહ્યું છે કે, “કાશ્મીરના બારામૂલાના સોપોરમાં પાણીપુરા ક્ષેત્રમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને મારી નાખ્યા છે. સર્ચ ઑપરેશન હજુ પણ ચાલુ છે."

ઑપરેશન વિશે માહિતી આપતાં સોપોરના એસએસપી (સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) દિવ્યા ડીએ જણાવ્યું હતું કે, "ગઈ કાલે રાત્રે સોપોરનાં સુરક્ષાદળોને બે આતંકવાદીના સમાચાર મળ્યા હતા. અમે તરત જ સંયુક્ત સુરક્ષાદળો સાથે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું."

"તે વખતે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, પછી અમે ઑપરેશન શરૂ કર્યું. અમે રાતોરાત ત્યાંથી સ્થાનિક લોકોને બહાર કાઢ્યા હતા. અત્યાર સુધી જે ઑપરેશન ચાલી રહ્યું હતું તેમાં આતંકવાદીઓ માર્યા ગયા છે, અમે તેમની ઓળખ કરી રહ્યા છીએ."

ભારતના ટોચના દાનવીરોની હુરુનની યાદીમાં ગુજરાતી ઉદ્યોગપતિઓ કયા સ્થાને?

મુકેશ તથા નીતા અંબાણીની તસવીર

હુરુન ઇન્ડિયા તથા ઍડલગિવ ફાઉન્ડેશને વર્ષ 2024માં દેશના ટોચના દાતાઓની યાદી બહાર પાડી છે. જેમાં 203 સખાવતીઓ તથા સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમણે કુલ રૂ. 8 હજાર 783 કરોડનું દાન કર્યું છે.

જેમાંથી 93 દાનવીરોને પહેલી વખત સ્થાન મળ્યું છે, તેમણે રૂ. 1556 કરોડનું દાન આપ્યું છે.

જેમાં રૂ. 2153 કરોડના દાન સાથે શિવ નાદર ફાઉન્ડેશન ટોચ ઉપર છે. તેઓ સળંગ ત્રીજા વર્ષે આ યાદીમાં ટોચ ઉપર રહ્યા હતા. તેમણે દૈનિક સરેરાશ રૂ. પાંચ કરોડ 90 લાખની સખાવત કરી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશન થકી મુકેશ અંબાણીના પરિવારે રૂ. 407 કરોડનું દાન કર્યું છે.

બજાજ પરિવાર (રૂ. 352 કરોડ), કુમાર મંગલમ્ બિરલા પરિવારે (રૂ. 334 કરોડ)નું દાન કર્યું છે.

રૂ. 330 કરોડના દાન સાથે ગૌતમ અદાણીનું ફાઉન્ડેશન પાંચમા ક્રમે છે.

નિલેકણી દંપતીનો દેશના ટોચના દાતાઓમાં સમાવેશ થાય છે. પતિ નંદન (રૂ. 307 કરોડ) તથા રોહિણી (રૂ. 154 કરોડ) અનુક્રમે છઠ્ઠા અને 10મા ક્રમે રહ્યા છે.

ઇન્જેક્શન બનાવતી કંપની સાથે જોડાયેલા ક્રિષ્ના ચિવુકુલ્લા (સાતમા ક્રમે) ઉપરાંત સુષ્મિતા અને સુબ્રતો બાગચીએ (નવમા ક્રમે) ટોચના 10 દાતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમણે અનુક્રમે રૂ. 228 તથા રૂ. 179 કરોડની સખાવત કરી હતી.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ગૌતમ અદાણી
ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી

શહેરવાર દાતાઓમાં અમદાવાદમાં નવ છે, જેમાં ચારને પહેલી વખત સ્થાન મળ્યું છે. સુરતમાં ત્રણ દાતા ટોચના છે. જેમાં સવજીભાઈ ધોળકિયા ટોચ ઉપર છે. જેમણે રૂ. 44 કરોડની સખાવત કરી હતી.

યુવા દાતામાં એશિયન પેઇન્ટ્સ સાથે જોડાયેલા વિવેક વકીલ (રૂ. આઠ કરોડ), વરૂણ અમર વકીલ (રૂ. સાત કરોડ), ભૈરવી વકીલ (રૂ. આઠ કરોડ) અને અમૃતા વકીલે રૂ. સાત કરોડની સખાવત કરી છે. જે તેમણે પરિવારના ટ્રસ્ટ મારફત કરી છે.

નિખિલ કામત (38 વર્ષ, રૂ. 120 કરોડ) તથા વૅક્સિનનિર્માતા કંપનીના આદર પુનાવાલાએ રૂ. 142 કરોડનું દાન કર્યું છે. બંનેએ પોત-પોતાના ફાઉન્ડેશન મારફત ડૉનેશન કર્યું છે.

જે કંપનીઓના સ્થાપકનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જેઓ કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબ્લિટી 28 સીધા જ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હતા.

સીએસઆરની દાતા કંપનીઓમાં લિસ્ટેડ કંપનીઓનો ફાળો 54 ટકા તથા અને અનલિસ્ટેડ કંપનીઓની ટકાવારી 46 ટકા જેટલું હતું.

રાહુલ ગાંધીએ ટ્રમ્પ-હૅરિસને પત્ર લખ્યા

રાહુલ ગાંધીની તસવીર
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.

ગાંધીએ આ સિવાય ડેમૉક્રૅટિક પાર્ટીના ઉમેદવાર કમલા હૅરિસને પણ પત્ર લખ્યો છે.

ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતાના લૅટરપેડ ઉપર ટ્રમ્પને સંદેશ મોકલ્યો છે, જેમાં લખ્યું છે: "અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા બદલ હું તમને અભિનંદન પાઠવવા માગું છું. લોકોએ તમારી ભાવિ દૃષ્ટિકોણ ઉપર વિશ્વાસ મૂક્યો છે."

સાથે જ લખ્યું છે, "ભારત અને અમેરિકાની વચ્ચે જૂની મૈત્રી છે. જે લોકશાહી મૂલ્યો માટે આપણી પ્રતિબદ્ધતા ઉપર આધારિત છે."

રાહુલ ગાંધીએ આશા વ્યક્ત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નેતૃત્વમાં બંને દેશ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે. સાથે જ ભારત અને અમેરિકા બંને માટે તકોમાં વૃદ્ધિની દિશામાં કામ કરવાનું ચાલુ રાખશે.

પરાજિત ઉમેદવાર કમલા હૅરિસને મોકલેલા સંદેશમાં રાહુલ ગાંધીએ ભવિષ્યને માટે શુભકામનાઓ પાઠવી છે અને લખ્યું, "હું તમને જુસ્સાપૂર્વકના અભિયાન માટે અભિનંદન પાઠવવા ચાહું છું. તમારો એકજૂટતા માટેનો સંદેશ અનેક લોકોને પ્રેરિત કરશે."

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું, "બાઇડન સરકારના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક મહત્ત્વના મુદ્દે સહયોગ ગાઢ બન્યો છે. લોકશાહી મૂલ્યો પ્રત્યે આપણી સંયુક્ત પ્રતિબદ્ધતા આપણી મિત્રતાનું માર્ગદર્શન કરશે."

ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ તરીકે જેમની નિમણૂક કરી એ સુઝી વિલ્સન કોણ છે?

સુઝી વિલ્સન

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પોતાના સ્ટાફમાં પ્રથમ મહત્ત્વપૂર્ણ નિમણૂક કરી છે. તેમણે સુઝી વિલ્સને વ્હાઇટ હાઉસનાં ચીફ ઑફ સ્ટાફ બનાવ્યાં છે. ટ્રમ્પ કૅમ્પેનના કહેવા પ્રમાણે, સુઝી આ પદ સુધી પહોંચનારાં પ્રથમ મહિલા છે.

ટ્રમ્પે સુઝીની નિમણૂક સમયે કહ્યું, "વિલ્સને મને અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો રાજકીય વિજય અપાવવામાં મદદ કરી."

ચાલુ વર્ષે એપ્રિલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુઝીએ ટ્રમ્પ સાથે કામ કરવાના અનુભવો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, "લોકોને લાગે છે કે હું બહુ કડક છું, પરંતુ તેઓ જાણતા નથી કે ટ્રમ્પ મારી કામગીરીના આધારે મારું મૂલ્યાંકન કરે છે."

ટ્રમ્પની ટીકાઓ વિશે જવાબ આપતા સુઝીએ કહ્યું હતું, "આવા લોકો ટ્રમ્પની કાર્યપદ્ધતિ વિશે જાણતા નથી, મારી નજરમાં આવા લોકો માટે કોઈ સન્માન નથી."

દરેક રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસ ચીફ ઑફ સ્ટાફ મહત્ત્વપૂર્ણ પદ છે. જે રાષ્ટ્રપતિના સ્ટાફનું વહીવટી સંચાલન કરવાનું તથા વ્હાઇટ હાઉસના સંચાલકની ભૂમિકા ભજવે છે.

ચીફ સ્ટાફ રાષ્ટ્રપતિની ઍક્ઝિક્યુટિવ ઑફિસમાં બેસે છે અને સ્ટાફની રોજબરોજની કામગીરી ઉપર નજર રાખે છે.

ચીફ સ્ટાફ નીતિવિષયક બાબતો ઘડવામાં તથા તેને દિશાનિર્દેશ આપવામાં મદદ કરે છે.

બીજી બાજુ અમેરિકાની મધ્યસ્થ ફૅડરલ બૅન્કના વડા જેરોમ પોવેલે કહ્યું છે કે જો ટ્રમ્પ સરકાર તેમને કહેશો તો પણ તેઓ પદભાર નહીં છોડે.

પોવેલે કહ્યું કે જો આમ કરવા માટે કહેવામાં આવે તો પણ તે ગેરકાયદેસર હશે.

ચૂંટણીપરિણામ બાદ એવી અટકળો વહેતી હતી કે પોવેલને પદભાર છોડવા માટે કહેવામાં આવશે.

પુતિન અને ટ્રમ્પની તસવીર
ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર

છેવટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે.

પુતિને સોચી શહેરમાં એક સાર્વજનિક ભાષણ દરમિયાન ટ્રમ્પને "બહાદુર વ્યક્તિ" કહ્યા હતા અને તેમની સાથે વાત કરવાની તૈયારી દાખવી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન કહેતા હતા કે તેઓ એક દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવી શકે છે, પરંતુ કેવી રીતે તેના વિશે ક્યારેય કોઈ ફોડ નહોતો પાડ્યો.

ટ્રમ્પની યુક્રેન વિશેની ટિપ્પણી અંગે પુતિનનું કહેવું છે કે તેના ઉપર "ધ્યાન દેવું જોઈએ."

એક ખાનગી ચેનલ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પુતિન સાથે ચર્ચા કરવા તૈયાર છે.

ઇઝરાયલ હુમલાખોરોના પરિવારજનોને દેશનિકાલ કરશે

ઇઝરાયલમાં ઉગ્રવાદી હુમલાની તસવીર

ઇઝરાયલની સંસદે નવો કાયદો પસાર કર્યો છે, જે મુજબ આતંકવાદના આરોપમાં દોષિત ઠરેલા લોકોને દેશનિકાલ આપવામાં આવશે. ચાહે તે ઇઝરાયલના નાગરિક જ કેમ ન હોય.

બેન્જામિન નેતન્યાહૂની લુકિડ પાર્ટી દ્વારા આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જે આતંકવાદમાં મદદ કરનાર સીધા સંબંધીઓને લાગુ પડશે. જેમાં માતા-પિતા, ભાઈ-બહેન અને સંતાનોનો સમાવેશ થાય છે.

વિપક્ષના અમુક નેતાઓનું કહેવું છે કે ઇઝરાયલના આરબ નાગરિકોને નિશાન બનાવવાના હેતુથી આ કાયદો ઘડવામાં આવ્યો છે. ઇઝરાયલની કુલ વસતિના લગભગ 20 ટકા પેલેસ્ટાઇનવાસીઓ છે.

હમાસના બંદૂકધારીઓ દ્વારા ગત વર્ષે સાતમી ઑક્ટોબરના રોજ ઇઝરાયલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એ પછી અનેક ઇઝરાયલીઓએ સોશિયલ મીડિયા ઉપર તેની પ્રશંસા કરતી પોસ્ટ્સ મૂકી હતી અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

ઇઝરાયલના ગૃહ મંત્રીને દેશનિકાલની સજા ઉપર મંજૂરીની મહોર મારવાની સતા આપવામાં આવી છે. ઇઝરાયલના માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે આ કાયદો ગેરબંધારણીય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.