દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ દેશમાં માર્શલ લૉ લાગુ કરવાની જાહેરાત કરી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે દેશમાં માર્શલ લૉની જાહેરાત કરી છે.
મોડી રાત્રે રાષ્ટ્રને ટેલિવિઝન પર કરેલા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, "ઉત્તર કોરિયાના સામ્યવાદી બળોથી દેશને બચાવવા માટે આ પગલું જરૂરી હતું."
તેમણે એમ પણ કહ્યું હતું કે દેશવિરોધી તત્ત્વોને ખતમ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
યુન સુક-યોલે કહ્યું કે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
યુન સુક-યોલે જોકે એમ જણાવ્યું ન હતું કે માર્શલ લૉ કેટલા સમય સુધી અમલમાં રહેશે. વાસ્તવમાં જ્યારે કટોકટીની સ્થિતિ હોય ત્યારે જ આ પ્રકારે માર્શલ લૉ લાદવામાં આવે છે.
વિપક્ષી દળ ડેમૉક્રેટિક પાર્ટીએ માર્શલ લૉ લાદવાની જાહેરાતને ગેરબંધારણીય ગણાવી છે.
દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર, સેનાએ તમામ પ્રકારની સંસદીય કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. યોનહાપ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે નેશનલ એસેમ્બલીના સભ્યોને એસેમ્બલી બિલ્ડિંગમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રાજધાની સિઓલમાં એસેમ્બલી બિલ્ડિંગની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાદળો તહેનાત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્રના આગામી મુખ્ય મંત્રી કોણ? સંજય રાઉતે કહ્યું - રાજ્યમાં 'દિલ્હીનો ખેલ' ચાલે છે

ઇમેજ સ્રોત, ANI
મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ વિશે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરી હતી.
સંજય રાઉતે કહ્યું, "એકનાથ શિંદે મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્ય મંત્રી છે. મુખ્ય મંત્રી કેવી રીતે ગાયબ થઈ શકે? મહારાષ્ટ્રમાં એક ખેલ ચાલે છે. 10 દિવસ થઈ ગયા છે. તેમની (મહાયુતિ) પાસે પૂર્ણ બહુમત છે, છતાં તેઓ હજુ સુધી મુખ્ય મંત્રીનું નામ જાહેર કરી શક્યા નથી. રાજભવનમાં હજુ સુધી સરકાર બનાવવા વિશે કોઈ દાવો કરવામાં નથી આવ્યો. આ કયો ખેલ ચાલે છે. આ બધો દિલ્હીનો ખેલ છે."
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ 23 નવેમ્બરે જાહેર થઈ ગયાં હતાં.
ચૂંટણી જીતવા છતાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હજુ સુધી સરકાર બનાવવાનો દાવો નથી કર્યો. તેમણે મુખ્ય મંત્રીના નામની જાહેરાત પણ નથી કરી.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકોમાંથી 240 બેઠકો મહાયુતિ ગઠબંધનને મળી છે.
આ ગઠબંધનમાં ભાજપના 132, શિવસેના (શિંદે જૂથ)ના 57 અને અજિત પવારની એનસીપીને 41 બેઠકો મળી છે.
આફ્રિકન દેશ ગિનીમાં એક ફૂટબૉલ મૅચમાં ભાગદોડ થતા 56 લોકોનાં મોત

આફ્રિકાના દેશ ગિનીના બીજા સૌથી મોટા શહેર જેરેકોરમાં ફૂટબૉલની મૅચ દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછાં 56 લોકોનાં મોત થયાં છે.
જોકે, ઘણા લોકો માને છે કે મૃતકોની સંખ્યા 100ની આસપાસ હોઈ શકે છે.
કેટલાક રિપોર્ટ મુજબ મૅચ રેફરીના એક નિર્ણય પછી આ ઘટના બની હતી. રેફરીએ મહેમાન ટીમ લાબેના બે ખેલાડીને રેડ કાર્ડ દેખાડીને મેદાનમાંથી બહાર કાઢી મૂક્યા અને તેમને પેનલ્ટી કિક આપી ત્યારે ધમાલ થઈ હતી.
ગિનીના વડા પ્રધાન ઓઉરી બાહે આ ઘટનાને 'દુખદ' ગણાવી છે.
તેમણે આ ઘટના માટે જવાબદાર લોકોને ઓળખ કરવાની જાહેરાત કરી છે અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મહેમાન ટીમ લેબેના સમર્થકોએ રેફરીથી ગુસ્સે થઈને મેદાન પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ટીયરગૅસનો ઉપયોગ કર્યો હતો.
જેરેકોરના સ્થાનિક પત્રકાર પોલ સાકોવોગીએ બીબીસીને જણાવ્યું કે, "સ્ટેડિયમમાં ભારે ભીડ હતી. ત્યાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. કેટલાક લોકો બહાર નીકળવા માટે દીવાલ પર ચઢી ગયા હતા. જેઓ દીવાલ પર ચઢી ન શક્યા, તેઓ જમીન પર પડી ગયા હતા."
તામિલનાડુના તિરુવન્નામલાઈમાં ફેંગલ વાવાઝોડા પછી ભૂસ્ખલન, પાંચ મૃતદેહ મળ્યા

તામિલનાડુના તિરુવન્નામલાઈમાં ભૂસ્ખલનમાં ફસાયેલા સાતમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
24 કલાક સુધી ચાલેલી બચાવ કાર્યવાહી બાદ સોમવારે 5 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
રાજ્યના નાયબ મુખ્ય મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે બચાવ ટીમો બાકીના લોકોના મૃતદેહોને બહાર કાઢવા માટે કામ કરી રહી છે.
આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મુખ્ય મંત્રી સ્ટાલિને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.
વાવાઝોડા ફેંગલના કારણે તિરુવન્નામલાઈમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યાર પછી પહેલી ડિસેમ્બરે વીયુસીનગર વિસ્તારમાં અન્નામલાઈયાર પહાડ પર ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટનામાં બે ઘરોને નુકસાન થયું હતું.
ફ્રાન્સમાં સપ્ટેમ્બરમાં જ વડા પ્રધાન બનેલા મિશેલ બર્નિયેની સરકાર પતનના આરે

ઇમેજ સ્રોત, Reuters
સોમવારે ફ્રાન્સના વડા પ્રધાન મિશેલ બર્નિયા વિરુદ્ધ સંસદમાં જમણેરી અને ડાબેરી દળોએ મળીને અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.
બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે, પરંતુ તેઓ આ અવિશ્વાસ પ્રસ્તાવ હારી જશે એવું અનુમાન છે.
સોમવારે ડાબેરી સાંસદ એલેક્સિસ કોર્બિયેએ સંસદમાં જણાવ્યું કે "બર્નિયેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે."
મિશેલ બર્નિયે સપ્ટેમ્બરની શરૂઆતમાં ફ્રાન્સના વડા પ્રધાન બન્યા હતા. બર્નિયે જમણેરી રિપબ્લિકન પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમની લાંબી રાજકીય કારકિર્દી રહી છે.
યુદ્ધવિરામ સંકટમાં, ઇઝરાયલ અને હિઝબુલ્લાહે ફરી એકબીજા પર હુમલા કર્યા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલે જણાવ્યું છે કે તેમણે સોમવારે સાંજે લેબનોનમાં હિઝબુલ્લાહનાં મથકો પર હુમલા કર્યા છે. હિઝબુલ્લાહે પણ વળતી કાર્યવાહીમાં ઇઝરાયલી પોસ્ટ પર ગોળા છોડ્યા છે.
બંને પક્ષોએ એકબીજા પર ગયા અઠવાડિયે થયેલા યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દક્ષિણ લેબનોનનાં બે ગામોમાં ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછાં નવ લોકોનાં મોત થયાં છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ કહ્યું કે તેમણે સમગ્ર લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર હુમલા કર્યા છે.
હિઝબુલ્લાએ કહ્યું કે તેણે 'ઇઝરાયલના કબજા હેઠળના પ્રદેશ'માં સૈન્ય ચોકી પર ગોળા છોડીને વળતી કાર્યવાહી કરી છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહના હુમલાને યુદ્ધવિરામનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ઇઝરાયલ આકરો જવાબ આપશે.
યુદ્ધવિરામ સમજૂતીની જાહેરાત કરતી વખતે નેતન્યાહૂએ કહ્યું હતું કે હિઝબુલ્લાહ સમજૂતીની શરતોનો ભંગ કરશે, તો તેઓ કાર્યવાહી કરવામાં અચકાશે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























