ભારતીય છોકરીઓ બની હૉકીની એશિયન ચૅમ્પિયન, ચીનને 1-0થી હરાવ્યું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
મહિલા એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ મૅચમાં ભારતે ચીનને 1-0થી હરાવી દીધું છે.
આ ફાઇનલ મૅચ બિહારના રાજગીરમાં રમાઈ હતી.
ફાઇનલ મૅચ માટે ભારત માટે દીપિકાએ ત્રીજા ક્વાર્ટરમાં મૅચની 31 મિનિટમાં પૅનલ્ટી કૉર્નર પર ગોલ કરીને ચીન પર ભારતને 1-0ની બઢત અપાવી.
મૅચ પૂર્ણ થઈ ત્યાં સુધી ચીનની ટીમ સ્કોરને બરાબર કરવાની કોશિશ કરતી રહી પરંતુ ભારતીય ટીમની ડિફેન્સે ભરપૂર બચાવ કર્યો.
ભારતીય મહિલા હૉકી ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ મૅચ હારી નથી.
ઈરાનની યુનિવર્સિટીમાં કપડાં ઉતારનારી યુવતી પર કેસ નહીં ચાલે

ઇમેજ સ્રોત, UGC
ઈરાની પ્રશાસનનુ કહેવું છે કે તહેરાન વિશ્વવિદ્યાલયમાં પોતાનાં કપડાં ઉતારનાર યુવતી સામે કોઈ કેસ નહીં ચાલે.
નવેમ્બરની શરૂઆતમાં તહેરાનના આઝાદ વિશ્વવિદ્યાલયના રિસર્ચ વિભાગમાં એક યુવતીએ પોતાનાં કપડાં ઉતારીને પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રદર્શન કરનારી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. બીબીસી પર્શિયન સેવા અનુસાર પ્રદર્શન કરનારી યુવતીનું નામ આહૂ દરયાઈ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદ્યાર્થી સંગઠને આ યુવતીની ધરપકડ થઈ તે વખતનો વીડિયો સૌથી પહેલા જાહેર કર્યો હતો. આ સંગઠને કહ્યું હતું કે આહૂ દરયાઈની હિજાબ ન પહેરવાને લઈને સિક્યૉરિટી એજન્ટો સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેણે વિરોધમાં કપડાં ઉતાર્યાં હતાં.
ઈરાની ન્યાય વિભાગના પ્રવક્તા અનુસાર હૉસ્પિટલમાં યુવતીના ઇલાજ બાદ તેને પરિજનોને સોંપી દેવામાં આવી હતી.
આહૂ દરયાઈની ધરપકડનો ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોએ વિરોધ કર્યો હતો અને તેને છોડી મૂકવાની માગ કરી હતી.
ઈરાની ન્યાય વિભાગના પ્રવક્તા અસહર જહાંગીરે એક નિવેદનમાં કહ્યું, “તે બીમાર હતી અ તેને હૉસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યારબાદ તેને તેના પરિજનોને હવાલે કરી દેવાઈ. તેની સામે કોઈ કેસ દાખલ કરવામાં નહીં આવે.”
હાર્દિક પંડ્યા ટી-20ના નંબર વન ઑલરાઉન્ડર બન્યા

ઇમેજ સ્રોત, Getty Images
હાર્દિક પંડ્યા આઈસીસી રૅન્કિંગમાં દુનિયાના નંબર વન ઑલરાઉન્ડર બની ગયા છે.
આઈસીસીના ટી-20 ઑલરાઉન્ડર ક્રિકેટરોની યાદીમાં હાર્દિક પંડ્યાને 244 અંક પ્રાપ્ત કર્યા છે. તેમણે બે અંકોની બઢત સાથે પહેલો રૅન્ક મેળવ્યો.
આઈસીસી ટી-20 ઑલરાઉન્ડરોની યાદીમાં નેપાળના દીપેન્દ્રસિંહ અરી 231 અંકો સાથે બીજા અને ઇંગ્લૅન્ડના લિયામ લિવિંગસ્ટન 230 અંકો સાથે ત્રીજા સ્થાને છે.
ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ ટી-20માં બૅટ્સમૅનોના રૅન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે. ઇંગ્લૅન્ડના ફિલિપ સૉલ્ટ બીજા અને દક્ષિણ આફ્રિકાની ટી-20 સિરીઝમાં લગાતાર બે શતક લગાવનાર તિલક વર્મા ત્રીજા નંબરે છે.
બૉલરોના રૅન્કિંગમાં આદિલ રશીદ પહેલા ક્રમે છે. ભારતીય બૉલરોની વાત કરીએ તો પ્રથમ દસ બૉલરોની યાદીમાં રવિ બિશ્નોઈ આઠમા ક્રમે અને અર્શદીપસિંહ નવમા નંબરે છે.
બિટકૉઇન મામલે સુપ્રિયા સુળે પર ગંભીર આરોપ, મામલો શું છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/SUPRIYA SULE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક તરફ મહારાષ્ટ્રમાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપે બારામતીનાં સાંસદ સુપ્રિયા સુળે પર બિટકૉઇનને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. જોકે, સુપ્રિયા સુળેએ ભાજપના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સુળેએ એમ પણ કહ્યું છે કે તેઓ તેની સામે ફરિયાદ કરશે.
પુણેના પૂર્વ પોલીસ અધિકારી રવિન્દ્ર પાટીલે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળે અને એનસીપી (શરચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળે પર ચૂંટણીમાં વિદેશી નાણાનો ઉપયોગ કરવાનો અને અનેક નાણાકીય વ્યવહારો માટે બિટકૉઇનનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ માગ કરી હતી કે, "સુપ્રિયા સુળે અને નાના પટોળેએ વિદેશી નાણાંનો ઉપયોગ કરીને ચૂંટણી અને મતદાનને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેથી તેમની તપાસ થવી જોઈએ."
ભાજપે આ બાબતમાં પુરાવા તરીકે કેટલાંક કૉલ્સ રૅકોર્ડિંગ અને વૉટ્સઍપ ચેટના સ્ક્રીનશૉટ્સ પણ સોંપ્યા છે.
સાંસદ સુપ્રિયા સુળેએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુધાંશુ ત્રિવેદીને માનહાનિની નોટિસ મોકલવામાં આવશે એવું પણ તેમણે કહ્યું હતું.

ઇમેજ સ્રોત, Supriya Sule/X
સુપ્રિયા સુળેએ એવું પણ કહ્યું કે, "હું નુકસાની પેટે વકીલો મારફતે દાવો કરવા જઈ રહી છું, મેં લોકસભામાં ઘણી વખત બિટકૉઇનની આખી સિસ્ટમ સામે વાત કરી છે, તેથી તે હાસ્યાસ્પદ છે કે મારા પર આવા આરોપ લાગે."
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "મેં મીડિયામાં બિટકૉઇન વિશેનાં વિવિધ કૌભાંડો જોયાં છે. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. જે સાચું છે તે બધાની સામે લાવવું જોઈએ. આરોપો ગંભીર છે."
સુપ્રિયા સુળે વિશે વાત કરતાં ફડણવીસે કહ્યું કે, "એવું લાગે છે કે વૉઇસ રેકોર્ડિંગ સુપ્રિયા સુળેનું છે. તપાસ પછી આ સત્ય બહાર આવશે. બિટકોઈન એ સેંકડો કરોડનો મામલો છે અને આ મામલો લોકો સમક્ષ આવવો જોઈએ. અને આ મામલાની સત્યતા વહેલી તકે બહાર આવવી જોઈએ.”
એનસીપી (શરદચંદ્ર પવાર)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, "આ ચૂંટણીમાં ભાજપ શું કરે છે તે સમગ્ર મહારાષ્ટ્રે જોયું છે. આ મુદ્દાને દબાવવા માટે સુપ્રિયા સુળે વિશેની ક્લિપ સામે આવી છે. પરંતુ તે અવાજ સુપ્રિયા સુળેનો નથી, તેથી જુઠ્ઠાણા ઊભું કરવું એ ભાજપની વિશેષતા બની ગઈ છે.
સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રફાલ નડાલે નિવૃત્તિ લીધી

ઇમેજ સ્રોત, Getty Images
22 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નડાલે મંગળવારે ડેવિસ કપમાં તેની છેલ્લી મૅચ રમી હતી. આ મૅચમાં 38 વર્ષીય નડાલ નેધરલૅન્ડના બોટિક વેન સામે સીધા બે સેટમાં 6-4, 6-4થી હાર્યા હતા.
ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા રફાલ નડાલે તેના સમર્થકોને કહ્યું કે, "મારી વીસ વર્ષની કારકિર્દીમાં, સારા સમયમાં તમે મને સાથ આપ્યો અને ખરાબ સમયમાં રમવાનું પ્રોત્સાહન આપ્યું."
નડાલને ક્લે કોર્ટના રાજા પણ માનવામાં આવતા હતા. તેમણે 14 વખત ફ્રેન્ચ ઓપન સિંગલ્સ ટાઇટલ જીત્યાં હતી. તેમણે રોલાં ગૅરોમાં રમાયેલી 116 મહત્ત્વપૂર્ણ મૅચોમાંથી 112 જીતી હતી.
નિવૃત્તિ બાદ તેણે કહ્યું કે, "હું આ અવસરે નેધરલૅન્ડને અભિનંદન પાઠવું છું અને અહીં હાજર સમગ્ર સ્પેનની ટીમનો આભાર માનું છું."
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડના સમાચાર પર અમેરિકાએ શું કહ્યું

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મૅથ્યુ મિલરે લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર પર નિવેદન આપ્યું છે.
મૅથ્યુ મિલરને પૂછવામાં આવ્યું કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય સુરક્ષા અધિકારીઓ એફબીઆઈ(ફેડરલ બ્યુરૉ ઓફ ઇન્વેસ્ટીગેશન) અધિકારીઓ સાથે અનમોલ બિશ્નોઈના પ્રત્યર્પણ અંગે ચર્ચા કરી રહ્યા છે.
મિલરે આ સવાલ પર જવાબ આપવાની ના કહી હતી.
તેમણે કહ્યું કે, હું ફક્ત એટલું જ કહીશ કે “જો આવું કંઈક હોય તો આંતરિક સુરક્ષા વિભાગ અને એફબીઆઈ તેના પર નિવેદન આપે તે યોગ્ય રહેશે, વિદેશ મંત્રાલય નહીં.”
સમાચારો અનુસાર, મહારાષ્ટ્રના રાજનેતા બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર સહિતના અનેક મામલામાં આરોપી અનમોલ બિશ્નોઈની કૅલિફોર્નિયામાં અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે ગત સપ્તાહે ધરપકડ કરી હતી.
હાલમાં જ, 12 ઑક્ટોબરે મુંબઈના ઉપનગર બાંદ્રામાં બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે લૉરેન્સ બિશ્નોઈની ગેંગના ઑપરેશનમાં અનમોલ બિશ્નોઈ પણ સામેલ છે. મૂસેવાલાની હત્યાના કેસમાં પોલીસ અનમોલ બિશ્નોઈને શોધી રહી છે.
પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂસેવાલાની 29 મે 2022ના રોજ પંજાબના માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું આજે મતદાન

ઇમેજ સ્રોત, ani
આજે મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર તેમજ ઝારખંડમાં વિધાનસભાના બીજા ચરણનું 38 બેઠક પર મતદાન છે. એ ઉપરાંત, ત્રણ રાજ્યની 14 બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ છે. જેમાં કેરળ – એક બેઠક, પંજાબ – ચાર બેઠક અને ઉત્તર પ્રદેશની નવ બેઠક સામેલ છે.
બંને રાજ્યો તેમજ પેટા ચૂંટણીની મત ગણતરી 23 નવેમ્બરે થશે. ગુજરાતમાં વાવ બેઠક પર યેજાયેલી પેટાચૂંટણીની મત ગણતરી પણ એ જ દિવસે છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો મહાયુતિ ગઠબંધનમાં કોણ કેટલી બેઠકો પર લડી રહ્યું છે?
ભાજપ: 149 બેઠકો
શિવસેના(શિંદે): 81 બેઠકો
એનસીપી(અજિત પવાર): 59 બેઠકો
મહાવિકાસ અઘાડીમાં કોણ કેટલી બેઠકો પર લડી રહ્યું છે?
કૉંગ્રેસ: 101 બેઠકો
શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 95 બેઠકો
એનસીપી(શરદચંદ્ર પવાર): 86 બેઠકો
એ સિવાય રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 95 બેઠકો, વંચિત બહુજન અઘાડી 200 બેઠકો અને એઆઈએમઆઈએમ 17 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























