BBC TOP NEWS: 2019 પહેલાં રામમંદિરનું નિર્માણ શરૂ થશે, યોગીની હાજરીમાં જ જાહેરાત

યોગી આદિત્યનાથની તસવીર
પ્રકાશિત

'એનડીટીવી'ની અંગ્રેજી વેબસાઇટ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં જ કોર્ટના નિર્ણયની રાહ જોયા વગર જ રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવાની જાહેરાત કરી છે.

ભાજપના પૂર્વ સાસંદ અને રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય ડૉ. રામવિલા વેદાંતીએ યુપીમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી છે.

તેમણે એવું પણ ઉમેર્યું, ''જે રીતે 'વિવાદિત ઢાંચો' તોડી પાડવામાં આવ્યો હતો એ જ રીતે કોર્ટના આદેશ વગર જ રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દેવામાં આવશે.''

જોકે, આ કાર્યક્રમમાં હાજર આદિત્યનાથે જણાવ્યું કે સરકાર બંધારણીય મર્યાદાથી બંધાયેલી છે અને મંદિર નિર્માણ માટે સંત સમાજને થોડી રાહ જોવી પડશે.

line

મુંબઈ-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ : જનજીવન ઠપ

વરસાદની તસવીર

'ગુજરાત સમાચાર'નો અહેવાલ જણાવે છે કે ભારે વરસાદને પગલે મુંબઈ અને દક્ષિણ ગુજરાતનું જનજીવન ખોરવાયું છે.

છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

તો પશ્ચિમ, મધ્ય રેલવે ઉપરાંત હાર્બર લાઇનની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.

વડાલામાં વરસાદને પગલે મોટી દીવાલ તૂટી પડતાં 15 કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

તો મુંબઈથી આગળ વધેલા ચોમાસાના કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો છે.

સુરત, ભરૂચ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડ્યો છે.

line

ઇંદ્રનીલ રાજગુરુએ કોંગ્રેસ છોડી

કોંગ્રેસનો ધ્વજ દર્શાવતી તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ગત વિધાનસભાની ચૂંટણી લડનારા ઇંદ્રનીલ રાજગુરુએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.

પક્ષની કાર્યપદ્ધતિની નારાજ હોવાને કારણે રાજગુરુએ કોંગ્રેસ છોડી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

પત્રકાર પરિષદમાં રાજગુરુએ જણાવ્યું કે તેમની ફરિયાદ છતાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓને પક્ષમાં ઉચ્ચા હોદ્દા ફાળવાતા તેમણે આ નિર્ણય લીધો છે.

તેમણએ પોતાનું રાજીનામું પક્ષપ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યું હોવાનું જણાવતા એવી સ્પષ્ટતા પણ કરી છે તેઓ ભાજપમાં નથી જોડાઈ રહ્યા.

નોંધનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળીયાની પક્ષ છોડવાની પહેલાંથી જ અટકળો ચાલી રહી છે ત્યારે જ રાજગુરુએ રાજીનામું આપ્યું છે.

line

18 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર

ભારતની સંસદની તસવીર

'એનડીટીવી'ના એક રિપોર્ટ અનુસાર આગામી 18 જુલાઈથી 10 ઑગસ્ટ ચોમાસુ સત્રનો પ્રારંભ થશે.

સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે આ અંગે જાણકારી આપી છે કે રાજકીય બાબતોની કૅબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે 18 દિવસના સત્ર દરમિયાન સરકાર ત્રણ તલાક અને અન્ય પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો આપવા સંબંધીત બિલ લાવવા પર ભાર મૂકી શકે એમ છે.

અનંતકુમારે પત્રકારોને એવું પણ જણાવ્યું કે આ સત્રમાં લગભગ 18 જેટલી બેઠકો થશે.

line

મેડિકલ પ્રવેશ માટે 'ડોમિસાઇલ ફરજિયાત', સરકારી નિયમને હાઈકોર્ટની બહાલી

ગુજરાત હાઈકોર્ટની તસવીર

એમબીબીએસ અને અન્ય મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટે રાજ્ય સરકારે ઘડેલા ફરજિયાત ડોમિસાઇલના નિયમને ગુજરાત હાઈકોર્ટે યોગ્ય અને કાયદેસર ગણાવ્યો હોવાનું 'નવગુજરાત સમય'ના અહેવાલમાં જણાવાયું છે.

હાઈકોર્ટે આ મામલે ધોરણ 10 અન્ય રાજ્યોમાંથી પાસ કરનારા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ ગણવા કે કેમ તે અંગે રાજ્ય સરકારને નિર્ણય લેવા પણ તાકીદ કરી છે.

આ ઉપરાંત મેડિકલ પ્રવેશ માટે ધોરણ 10 અને ધો.12ની પરીક્ષા પણ ગુજરાતમાંથી પાસ કરવા અંગેના નિયમને યોગ્ય ઠેરવી આ નિયમોને પડકારતી અરજી ફગાવી દીધી છે.

આ ચુકાદાને પગલે હવે મેડિકલની 85 ટકા બેઠકો પર રાજ્યના વિદ્યાર્થીઓ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મેળવી શકશે.

જ્યારે ગુજરાતનું ડોમિસાઇલ સર્ટિફિકેટ ન ધરાવતા વિદ્યાર્થીઓને ઑલ ઇન્ડિયા ક્વૉટાની 15 ટકા બેઠકો પર પ્રવેશ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો