Top News : યોગી આદિત્યનાથ : અગાઉ ઈદ ઉપર વીજળી મળતી પણ દિવાળી ઉપર નહીં

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સોમવારે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને આરોપ મૂક્યો હતો કે અગાઉની સરકારમાં જાતિ અને ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતો હતો.
ઇંડિયન ઍક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ડુમરિયાગંજ ખાતે જાહેરસભાને સંબોધિત કરતા આદિત્યનાથે કહ્યું કે અગાઉ ચાર કે પાંચ જિલ્લામાં વીજળી આપવામાં આવતી, જ્યારે અન્ય 70-71માં સમસ્યા રહેતી.
ઈદ દરમિયાન વીજળી મળતી અને દિવાળીમાં નહીં, મોહરમ દરમિયાન મળતી અને હોળી દરમિયાન જતી રહેતી. હવે, તમામ તહેવાર દરમિયાન વીજળી હોય છે અને અમે 'સબકા સાથ, સબકા વિકાસ'ના સૂત્રને અનુસરીએ છીએ.
યોગી આદિત્યનાથનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી બાદ બહુજન સમાજ પક્ષ તથા સમાજવાદી પક્ષનું જોડાણ તૂટી જશે.

મોદી મમતા વચ્ચે વાકયુદ્ધ

ઇમેજ સ્રોત, Sanjay das/bbc
વાવાઝોડા ફોની બાદ ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીની વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું છે.
અંગ્રેજી અખબાર ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં એક જાહેરસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે 'વાવાઝોડાને પગલે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજવા માગતો હતો. આ માટે બે વખત 'દીદી'ને ફોન કર્યો, પરંતુ તેમને એટલો બધો ઘમંડ છે કે મારો ફોન ન ઉપાડ્યો.'
આ અંગે જવાબ આપતા બેનરજીએ કહ્યું કે મારી ચૂંટણીસભા પૂર્વ નિર્ધારિત હતી. અમે શું તેમના નોકર છીએ કે તેઓ કહે ત્યાં જઈએ? ચૂંટણી સમયે શા માટે મારે ઍક્સ્પાયરી પ્રાઇમ મિનિસ્ટર સાથે મંચ પર આવું? હવે હું નવા વડા પ્રધાન સાથે જ વાત કરીશ.'

40 માછીમારોને પાક. મરીને ઝડપી લીધા
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
'ઇંડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, પીએમએસએ (પાકિસ્તાન મેરિટાઇમ સિક્યૉરિટી એજન્સી)એ અરબ સાગર સ્થિત ગુજરાત અને આંતરરાષ્ટ્રીય જળ સીમા (આઈએમબી) ખાતેથી 40 ભારતીય માછીમારોને ઝડપી લીધા છે.
પોરબંદરના માછીમાર બોટ ઍસોસિયેશનના પ્રમુખ જાદવજી પોસ્તરિયા કહે છે, "અમારી પાસેથ આ પ્રાથમિક માહિતી છે. અમને બોટનાં નામ કે રજિસ્ટ્રેશન નંબર અંગે કોઈ માહિતી નથી."
પોસ્તરિયાએ એવું પણ કહ્યું કે આ પ્રકારના સમાચાર માછીમાર પાસેથી જ મળે છે જેઓ બાદમાં ફિશરીશ વિભાગને જાણ કરે છે.
નેશનલ ફિશવર્કર્સ ફોરમના મનિષ લોઢારીનો હવાલો આપતા અખબાર લખે છે કે 'પીટીઆઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પીએએસએ દ્વારા 40 માછીમારોની કથિત રીતે આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળંગ્યા બાદ ઝડપી લેવામાં આવ્યા હતા.'

આ વિશે વધુ વાંચો

ગેરકાયદે સિંહદર્શન કરાવનારા છની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
'ઇંડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વન વિભાગે ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં ગેરકાયદે સિંહદર્શન કરાવનારા છ લોકોને ઝડપી લીધા છે જેમાંથી એક સગીર પણ છે.
જૂનાગઢ વન વિભાગે હિરણ નદીના કાંઠે સિંહોની સતામણી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. જોકે, આ વિસ્તાર વન વિભાગ હેઠળ નથી આવતો.
જૂનાગઢ સીસીએફ દુષ્યંત વસાવડાએ કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોને વેરાવળ શહેર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
આરોપીઓમાં 30 વર્ષના અનિરુદ્ધ નાથાણી, 28 વર્ષના હિરેન વૈષ્ણવ, 31 વર્ષના મનિષ શુક્લા, 33 વર્ષના અભિષેક શુક્લા, 18 વર્ષના સુરજ ત્રિવેદી અને 17 વર્ષના એક સગીરનો સમાવેશ થાય છે.

આંતરજ્ઞાતીય લગ્ન કરનારને સળગાવાયું

પુનામાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દંપતીને જીવતું સળગાવી દેવામાં આવ્યું છે, જેમાં મહિલા રુકમણિ રણસિંહ (ઉં.વ. 19)નું મૃત્યુ થયું છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે મહિલાને બે માસનો ગર્ભ હતો. જ્યારે પતિ મંગેશની સારવાર ચાલી રહી છે.
પહેલી મેના દિવસે મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે રુકમણિ તથા મંગેશ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પિતા, કાકા તથા મામાની તપાસ હાથ ધરી છે.
પોલીસે મંગેશ તથા મૃત્યુપૂર્વેના રુકમણિનાં નિવેદનને આધારે રુકમણિના પરિવારજનોની તપાસ હાથ ધરી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

























