IPL 2019 : હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઇંડિયન્સની જીતના હીરો

હાર્દિક પંડ્યા
    • લેેખક, આદેશ કુમાર ગુપ્ત,
    • પદ, બીબીસી હિંદી માટે
  • પ્રકાશિત

આઈપીએલ-12માં બુધવારે મુંબઈ ઇંડિયન્સે હોમ પીચ પર રમતા ચેન્નાઈ સુપરકિંગ્ઝને 37 રનથી હરાવી.

ચેન્નાઈ સુપરકિંગ્ઝે જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક પાર કરવાનો હતો, પરંતુ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 133 રન કરી શકી.

હાર્દિકે અણનમ 25 રન કર્યા, ત્રણ વિકેટ લીધી અને મૅન ઑફ ધ મૅચ પણ રહ્યા.

મુંબઈ સામેની આ હાર સાથે ચેન્નાઈની ગાડી જીતના પાટા પરથી ઊતરી ગઈ.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

વિજયરથ અટક્યો

કેદાર જાધવ
ઇમેજ કૅપ્શન, કેદાર જાધવ

ચેન્નાઈએ ત્રણ મૅચમાં જીત હાંસલ કરીને અન્ય ટીમોમાં ડરનો માહોલ પેદા કર્યો હતો.

પરંતુ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ચેન્નાઈની 89 રનમાં જ પાંચ વિકેટ પડી ગઈ હતી.

તેમાં શેન વૉટ્સન, અંબાતી રાયડુ, સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ હતા.

કેદાર જાધવે 54 બૉલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન કર્યા હતા. કેદાર ન રમ્યો હોત તો ચેન્નાઈની સ્થિતિ વધુ ખરાબ હોત.

ચેન્નાઈના સુરેશ રૈનાએ 10, ધોની અને શાર્દૂલ ઠાકુરે 12-12 રન કર્યા હતા.

મુંબઈ ઇંડિયન્સના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં માત્ર 20 રન આપીને ધોની, જાડેજા અને દીપક ચહરની વિકેટ ખેરવી હતી.

તેમના ઉપરાંત લસિથ મલિંગાએ પણ 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી.

તેમણે શેન વૉટ્સન, કેદાર જાધવ અને ડ્વેન બ્રાવોને પૅવેલિયનનો રસ્તો બતાવ્યો.

આ પહેલાં આ મૅચમાં ચેન્નાઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યો અને પહેલાં બૉલિંગનો નિર્ણય લીધો.

મુંબઈના ઑપનિંગ બૅટ્સમૅન ડી કૉકની વિકેટ પડતાં શરૂઆતમાં ઝટકો લાગ્યો. દીપક ચહરના બૉલ પર કેદાર જાધવે ડી કૉકનો કૅચ કર્યો હતો. ડી કૉક માત્ર ચાર જ રનમાં આઉટ થઈ ગયા હતા.

line

મુંબઈની ટીમ પણ મંદ પડી હતી

કૃણાલ પંડ્યા
ઇમેજ કૅપ્શન, કૃણાલ પંડ્યા

ત્યાર બાદ મેદાનમાં ઊતરેલા સૂર્યકુમાર યાદવે એકલા જ ચેન્નાઈનો સામનો કર્યો.

બીજા ઑપનિંગ બૅટ્સમૅન અને મુંબઈ ઇંડિયન્સના કૅપ્ટન રોહિત શર્મા હોમ પીચ પર રમી શક્યા નહીં.

તેઓ 18 બૉલમાં 13 રન કરીને રવીન્દ્ર જાડેજાના સ્પિનમાં ફસાઈને વિકેટકીપર ધોનીના હાથથી કૅચ થઈ ગયા.

રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બીજી વિકેટ માટે 37 રનની ભાગીદારી કરી.

રોહિત શર્મા બાદ યુવરાજ સિંહ કોઈ ખાસ કમાલ કરી શકયા નહીં. તેઓ માત્ર ચાર રન કરીને 40 વર્ષના પણ જોશીલા લેગ સ્પિનર ઇમરાન તાહીરનો શિકાર બન્યા.

અંબાતી રાયડુએ ઇમરાન તાહિરના બૉલ પર યુવરાજનો કૅચ પકડ્યો. યુવરાજ સિંહ આઉટ થયા ત્યારે મુંબઈનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 50 રનનો હતો.

કુણાલ પંડ્યાએ 32 બૉલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી 42 રન કર્યા.

તેઓ મોહિત શર્માના બૉલ પર ઊંચો શૉટ મારતા ચૂક્યા અને બૉલ સીધો શાનદાર ફિલ્ડર રવીન્દ્ર જાડેજાના હાથમાં આવી ગયો.

કુણાલ પંડ્યા અને સૂર્યકુમારે ચોથી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી.

કુણાલ પંડ્યા બાદ સૂર્યકુમાર પણ લાંબો સમય પીચ પર ટકી શક્યા નહીં.

પરંતુ સૂર્યકુમાર યાદવે 43 બૉલ પર આઠ ફોર અને એક સિક્સ મારીને 42 રન કર્યા.

લાઇન
લાઇન
line

પોલાર્ડ અને પંડ્યાએ બાજી પલટી

સૂર્યકુમાર યાદવ
ઇમેજ કૅપ્શન, સૂર્યકુમાર યાદવ

જોકે અંતિમ બે ઓવરમાં મુંબઈએ મૅચને રોમાંચિત કરી દીધી.

બ્રાવોની આ ઓવરમાં કિરન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ મળીને 29 રન કર્યા.

અંતિમ બૉલમાં તો હાર્દિક પંડ્યાએ કવર બાઉન્ડ્રી ઉપર સિક્સર મારી.

પોલાર્ડ અને હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં 45 રન કરીને ચેન્નાઈના બૉલર્સને પરેશાન કરી દીધા.

પોલાર્ડ 17 અને હાર્દિક પંડ્યા માત્ર આઠ બૉલમાં એક ફોર અને ત્રણ સિક્સ સાથે 25 રન કરીને અણનમ રહ્યા.

અંતે મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 170 રન કર્યા. રવીન્દ્ર જાડેજાએ બે ઓવરમાં માત્ર 10 રન આપીને એક વિકેટ લીધી.

બ્રાવો સૌથી મોંઘા બૉલર સાબિત થયા. તેમણે ચાર ઓવરમાં 49 રન આપીને એક વિકેટ લીધી.

આ મુંબઈ ઇંડિયન્સની ચાર મૅચમાં બીજી જીત હતી. તેઓ બે મૅચ હારી ચૂક્યું છે.

ગુરુવારે પણ આઈપીએલમાં માત્ર એક જ મૅચ રમાઈ.

દિલ્હી કૅપિટલ્સ પોતાના જ મેદાન ફિરોજશાહ કોટલામાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કરશે.

દિલ્હી કૅપિટલ્સે હજુ સુધી ચાર મૅચ રમી છે. બેમાં દિલ્હીની હાર અને બેમાં જીત થઈ છે.

બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ મૅચમાંથી બે જીતીને એકમાં હારનો સામનો કર્યો છે.

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો