વાવાઝોડું 'અર્નબ': હવામાન પલટાને કારણે ગુજરાતમાં વરસાદ પડશે? કયા જિલ્લામાં પડશે માવઠું?

ઇમેજ સ્રોત, Getty Images
'અત્યંત ભયાનક' વાવાઝોડું 'અર્નબ' આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટકી ચૂક્યું છે. વાવાઝોડાનું કેન્દ્ર હજી પણ દરિયાકાંઠાની ખૂબ જ નજીક બનેલું છે. તેના કારણે તેની અસર પણ વધુ વ્યાપક છે.
આ વાવાઝોડું લૉ પ્રેશર એરિયા ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનીને સાયક્લોનિક સ્ટૉર્મમાં ફેરવાયુ છે, હવે તે જમીન પણ સક્રિય થયું છે અને અર્નબનું કેન્દ્ર આંધ્ર પ્રદેશના કિનારે ખૂબ જ નજીક બનેલું છે.
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું યાનમની દક્ષિણમાં, બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્ર પ્રદેશના કિનારે ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ પવનની ઝડપ 125-135 કિલોમીટર પ્રતિ કલાક હતી.
આ વિસ્તારોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 28 ઑક્ટોબરના રોજ સવારે 1:20 વાગ્યે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
આ વાવાઝોડું એટલું તીવ્ર છે કે વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. ગ્રેટર વિશાખાપટ્ટનમ કૉર્પોરેશને મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં આમાંથી ધારાશાયી થયેલાં 55 વૃક્ષો દૂર કર્યાં હતાં. રસ્તાઓ ખોલવા અને વાહનવ્યવહાર સામાન્ય કરવા માટે વૃક્ષો હટાવનારી 30 ટીમો કામ કરી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, તેની અસરથી છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતને ધ્યાનમાં લઈએ તો, હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે આ વાવાઝોડાની અસર ગુજરાત પર કેવી પડી શકે છે જાણીએ આ અહેવાલમાં.
અર્નબ હવે કઈ દિશામાં આગળ વધી શકે છે?

ઇમેજ સ્રોત, IMD
પશ્ચિમ બંગાળની ખાડી પરથી અતિ ગંભીર પ્રકારનું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું "અર્નબ" દરિયાકિનારા પર ટકરાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેના કારણે આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની પડી રહ્યો છે. વિશાખાપટ્ટનમ સાઇક્લૉન વૉર્નિંગ સેન્ટરે માહિતી આપી છે કે આજે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ (કોસ્તંધરા) પાસે 150 કિમી/કલાકની ઝડપે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
આ વાવાઝોડું આંધ્ર પ્રદેશના કિનારાઓથી હવે આગામી થોડા કલાકોમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર અર્નબ વાવાઝોડાનો કોઈ ખતરો નથી. બંગાળની ખાડીની અંદર સર્જાતાં વાવાઝોડાં સીધી રીતે ગુજરાતને અસર કરતાં નથી.
જોકે, ક્યારેક એવું બને કે વાવાઝોડાની બાકી રહેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતી હોય છે અને તેના કારણે વરસાદ થતો હોય છે. જોકે, અર્નબ વાવાઝોડું ત્રાટક્યા બાદ વળાંક લેશે અને ઉત્તર તરફ આગળ વધશે. જે ગુજરાતથી સેંકડો કિલોમીટર દૂર હોવાને કારણે તેની સીધી અસરની શક્યતા નથી.
હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે 29 ઑક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં નજીવો વધારો થઈ શકે છે. આ ઉપરાંત 30 અને 31 ઑક્ટોબરના રોજ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આ સિસ્ટમને કારણે વધારે વરસાદ થવાની સંભાવના દેખાતી નથી અને ગરમીમાંથી પણ ખૂબ રાહત મળે તેવી સંભાવના દેખાતી નથી.
ગુજરાતમાં આગામી આ દિવસોમાં માવઠાની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગ અનુસાર, આજે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સહિત દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
પરંતુ આવતીકાલ 29 ઑક્ટોબરથી હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ વરસાદ પડવાની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
30 ઑક્ટોબરને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે આ દિવસે નવસારી, વલસાડમાં અને દમણ, દાદરા અને નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે.
બાકીના ગુજરાતના તમામ પ્રદેશમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
31 ઑક્ટોબરથી લઈને 2 ઑક્ટોબર સુધી પણ ગુજરાતમાં હાલની સ્થિતિએ હવામાન સૂકું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























